અમેરિકામાં ભારે વર્ષા, પૂર: ૯ લોકોના કારમાં જ મોત
અનેક કારો પૂરમાં ફસાઈ હતી ; કેન્ટુકી પાસે ડેમ તૂટી જતાં અનેક વિસ્તારોમાં પૂર આવ્યું : ભયાનક ઠંડી પણ છે; હજારો લોકોને બચાવાયા
અમેરિકામાં ભારે ઘાતક ઠંડી પડી રહી છે અને સાથે કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પણ થયો છે અને આ કાતિલ મોસમને લીધે ૯ લોકોના મોત થયા હતા. આ પૈકીનાં ૮ લોકો કેન્ટુકીના રહેવાસી હતા. એક સાથે આટલા મોત થઈ જતાં તંત્ર પણ ધંધે લાગી ગયું હતું. શનિવારે ટેનેસી પાસે એક નાનો ડેમ તૂટી ગયો હતો અને આસપાસના વિસ્તારોમાં પૂર આવ્યું હતું. હજારો લોકોને બચાવાયા હતા અને સલામત સ્થળે ખસેડાયા હતા.

જો કે અમેરિકી મીડિયાએ એવી માહિતી આપી હતી કે ૮ લોકોના મોત ભારે વરસાદને લીધે થયા હતા. સડકો પર પાણીના સરોવર સર્જાઇ ગયા હતા. કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઇ હતી અને લોકોને બહાર કાઢવા પડ્યા હતા.
અહેવાલમાં એમ જણાવાયું છે કે અનેક કાર પાણીમાં ફસાઈ જવાને લીધે મોટાભાગના લોકોના મોત થયા હતા. આ ઘટના બાદ લોકોને સડકો પર નહીં નીકળવાની અપીલ કરાઇ હતી. તરત જ તંત્રવાહકોએ રાહત બચાવ કાર્ય શરૂ કરી દીધું હતું.
ટેનસી અને કેન્ટુકીના કેટલાક ભાગોમાં ૬ ઇંચ સુધી વરસાદ થયો હતો. આ સ્થિતિમાં અનેક વિસ્તારો પૂરમાં ઘેરાઈ ગયા હતા અને અનેક કાર ફસાઈ ગઈ હતી જેમાં કારની અંદર જ લોકોના મોત થઈ ગયા હતા.