રશિયામાં ચાર ભારતીય મેડિકલ સ્ટુડન્ટનાં ડૂબી જવાથી મોત
રશિયાના સેન્ટ પીટર્સબર્ગ નજીક એક નદીમાં ચાર ભારતીય સ્ટુડન્ટ ડુબી જવાથી મૃત્યુ પામ્યા છે. ભારતીય વિદ્યાર્થીઓ એક મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા હતા અને નદી કિનારે ફરવા ગયા હતા. તેમાં નહાતી વખતે એક મિત્ર તણાવા લાગતા બીજા પણ તેને બચાવવા નદીમાં કૂદી પડ્યા હતા, પરંતુ તરતા આવડતું ન હોવાથી તેઓ ડુબી ગયા છે. તમામ મૃતકોની ઉંમર 18થી 20 વર્ષ વચ્ચે હોવાનું જણાવાય છે. મરનારામાંથી ત્રણ સ્ટુડન્ટ મહારાષ્ટ્રના હતા.આ ઘટનામાં એક છોકરી પણ તણાઈ હતી જેને બચાવી લેવાઈ હતી અને તેની સારવાર ચાલે છે.
જે ચાર ભારતીય વિદ્યાર્થીઓ ડુબી જવાથી મૃત્યુ પામ્યા છે તેના નામ હર્ષલ દેસાળે, જિશન પિંજરી, જિયા ફિરોઝ પિંજરી અને મલિક યાકૂબ હોવાનું જાણવા મળે છે. તેઓ યેરોસ્લાવ નોવરોગોડ સ્ટેટ યુનિવર્સિટીમાં ભણતા હતા અને મેડિકલનો અભ્યાસ કરતા હતા. વેલિકી પાસે તેઓ વોલ્ખોવ નદી પાસે ટહેલવા ગયા હતા અને તેમાંથી એક જણે નદીમાં કૂદવાનું દુઃસાહસ કર્યું હતું જેમાં ચારેય તણાઈ ગયા છે. બીજી એક મહિલા સ્ટુડન્ટ નિશા ભુપેશ સોનવાણે પણ નદીમાં પડી ગઈ હતી પરંતુ તેને બચાવી લેવામાં આવી હતી