પ્રથમ વખત મધ્ય બૈરુતમાં રહેણાંક ઈમારત પર હુમલો: રવિવારે વધુ 105 લોકોના મોત
લેબેનોન પર ઇઝરાયેલની મોત વર્ષા અવિરત જારી
હેઝબોલ્લાહના ગઢ સમાન દક્ષિણ બૈરુત પર ભયંકર બોમ્બમારો: યેમેનમાં ત્રણ પેલેસ્ટેનિયન નેતાઓનો ખાતમો
લેબનોન ઉપર ઇઝરાયેલ પૂરી તાકાતથી તૂટી પડ્યું છે.રવિ અને સોમવારે ઇઝરાયેલ ની વાયુસેનાએ કરેલી એર સ્ટ્રાઈકમાં ઓછામાં ઓછા 105 લોકો માર્યા ગયા હતા અને 359 ઘાયલ થયા હતા. ઇઝરાયેલે સોમવારે પ્રથમ વખત મધ્ય બૈરુતમાં એક બહુમાળી ઈમારત ઉપર બોમ્બ વરસાવ્યા હતા જેમાં ઓછામાં ઓછા પાંચ લોકોના મૃત્યુ થયા હતા. બીજી તરફ હેઝબોલ્લાહ એ પણ ઇઝરાયેલ ના લશ્કરી થાણા તથા ગામડાઓ ઉપર મિસાઈલ એટેક કરતાં મામલો વધુ સ્ફોટક બન્યો છે.
રવિવારે ઇઝરાયેલે દક્ષિણ લેબનોના મુખ્ય શહેર સીડોન અને રાજધાની આસપાસના વિસ્તારોમાં ભયંકર બોમ્બમારો કર્યો હતો. ફ્રાન્સના વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ એ હુમલામાં બીજા ફ્રેન્ચ નાગરિકનું મૃત્યુ થયું હતું.
ઇઝરાયેલ એ હુમલા નો વ્યાપ વધાર્યો છે. સોમવારે બેક્કા શહેર ઉપર કરેલી એર સ્ટ્રાઈક માં 14 નાગરિકોના મૃત્યુ થયા હતા. ઇઝરાયેલે દક્ષિણ બૈરુતુ પર ઉપરા છાપરી હવાઈ હુમલા કર્યા હતા. એ વિસ્તારને હેઝબોલ્લાહનો ગઢ માનવામાં આવે છે.નોંધનીય છે કે છેલ્લા અઠવાડિયા દરમિયાન યેમેનમાંથી હૂતી લડાકુઓ દ્વારા થયેલા હુમલા ને પગલે યુદ્ધમાં નવો મોરચો ખુલી ગયો છે. ઇઝરાયેલે યમનમાં પણ પાવર પ્લાન્ટ અને મુખ્ય બંદર ઉપર એર સ્ટ્રાઈક કરી તમામ માળખાનો કડુસલો બોલાવી દીધો હતો.સોમવારે ઇઝરાયેલે યેમેન પર કરેલા હુમલામાં પેલેસ્ટાઇનના ટોચના નેતા અબુ અલ આમીન સહિત ત્રણ કમાન્ડો ના મૃત્યુ થયા હતા.
હસન મર્યો એ ખૂબ સારું થયું: અમેરિકા
લેબેનોન પરના ઇઝરાયેલના હુમલાને પગલે મધ્ય પૂર્વમાં પૂર્ણ કક્ષાનું યુદ્ધ વિસ્તરવાનો ગંભીર ખતરો તોળાઈ તોડાઈ રહ્યો છે ત્યારે અમેરિકાના પ્રમુખ જો બાઇડેને તેઓ ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે વાત કરશે તેવું નિવેદન આપ્યું હતું. બીજી તરફ વ્હાઈટ હાઉસ ખાતે નેશનલ સિક્યુરિટી જ્હોન કિર્બી એ હેઝબોલ્લાહની ટોચની આખી નેતાગીરી ખતમ થઈ ગઈ હોવાનું જણાવ્યું હતું પણ સાથે જ નવી નેતાગીરી તાબડતોબ ઉભરી આવશે તેવી ચેતવણી પણ આપી હતી. હેઝબોલ્લહના વડા હસન નસરલ્લાહના મૃત્યુને વધાવતાં તેમણે કહ્યું હતું કે તેની વિદાયથી વિશ્વ વધુ સલામત બન્યું છે.
ઇઝરાયેલ કાળ બનીને ત્રાટક્યું: 1030ના મોત, 6000 ઘાયલ,10 લાખ લોકો વિસ્થાપિત
છેલ્લા અઠવાડિયા દરમિયાન ઇઝરાયેલે કરેલા હુમલાઓને કારણે લેબેનોનની હાલત પણ ગાઝા પટ્ટી જેવી થઈ ગઈ છે. અત્યાર સુધીમાં આ હુમલાઓમાં 156 મહિલા અને 57 બાળકો સહિત 1030 લોકોના મૃત્યુ થયા છે. તટસ્થ નિરીક્ષકોના જણાવ્યા અનુસાર ઇઝરાયેલે વેરેલા વિનાશને કારણે પાંચ લાખ લોકો બેઘર બન્યા છે તેમાંથી અઢી લાખ લોકો રાહત છાવણીઓમાં આશરો લઈ રહ્યા છે. લેબેનોનના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર આ હુમલાઓમાં 14 પેરામેડિકસ ના પણ મૃત્યુ થયા છે. યુએન રેફ્યુજી એજન્સીના જણાવ્યા અનુસાર 6000 લોકો ઘાયલ થતા હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. એજન્સીના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં 70000 લોકો લેબેનોન છોડીને ભાગી ગયા છે. લેબેનોનના સત્તાધિશોએ 10 લાખ લોકો વિસ્થાપિત થયા હોવાનો આંકડો આપ્યો હતો.
હેઝબોલ્લાહ અને હુતી આતંકીઓએ ઇઝરાયેલ ના લશ્કરી થાણાઓ અને ગામડાઓને નિશાન બનાવ્યા
હેઝબોલ્લાહએ પણ આક્રમણ વધાર્યું છે. સોમવારે ઉતાર ઇઝરાયેલના ઇલીયાકીમ આર્મી બેઝ સહિતના લશ્કરી થાણાઓ તથા તેલ અવિવના શાતોલા અને સાફેડ નામના ગામડાઓ પર મિસાઈલ દાગવામાં આવતાં મોટી સંખ્યામાં નાગરિકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. એ પહેલાં યેમેન માંથી હુતી આતંકવાદીઓએ શનિવારે બેન્જામિન નેતન્યાહુના આગમન સમયે બેન ગુરીઓન એરપોર્ટ પર મિસાઈલ એટેક કર્યો હતી. વળતાં હુમલા રૂપે ઇઝરાયેલે યેમેનના પાવર પ્લાન્ટને નષ્ટ કરી નાખ્યું હતું.અને પાંચ ગામડાઓ પર હવાઈ હુમલા કર્યા હતા.
માત્ર સાત દિવસમાં હેઝબોલ્લાહના ટોચના સાત નેતાઓનો ખાતમો
ઇઝરાયેલે લેબેનોન ઉપર કરેલા હુમલામાં છેલ્લા સાત દિવસમાં હેઝબોલ્લાહના ટોચના એક બે નહીં પણ સાત સાત કમાન્ડોના મૃત્યુ થતાં એ લડાકુ સંગઠન નેતૃત્વ હીન થઈ ગયું હોય તેવું ચિત્ર ઉપસ્યું છે. શુક્રવારે હેઝબોલ્લાહના સર્વોચ્ચ વડા હસન નસરલ્લાહના મૃત્યુ બાદ રવિવારે એ સંગઠનની સેન્ટ્રલ કાઉન્સિલના ડેપ્યુટી હેડ નબીલ કઆઉક ને પણ ઇઝરાયેલે પતાવી દીધો હતો. આ બે ઉપરાંત હેઝબોલ્લાહ નાબસ્થપક સભ્ય મુસ્તફા બદરેદિન, મિલિટરી સ્ટ્રેટેજીસ્ટ ઈમાદ મુગનીયેહ અને સિનિયર મીલીટરી કમાન્ડો હસન અલ લકીઝ, અલી ફયાદ અને સમીર કુંતારને પણ ઇઝરાયેલે વીણી વીણીને પતાવી દીધા હતા.