ઇઝરાયેલની થળસેના લેબેનોનમાં ઘુસી સરહદ નજીકના ગામડાઓમાં ભીષણ જંગ
ઓપરેશન ‘ નોર્ધન એરો ‘ પૂરજોશમાં ચાલુ
જમીન,આકાશ અને દરિયાઈ માર્ગે ત્રીપાંખીયા હુમલા કરવાની ઇઝરાયેલની ચેતવણી: દક્ષિણ બૈરુત ઉપર સતત પાંચમા દિવસે હવાઈ હુમલા
ઇઝરાયેલ અને હેઝબોલ્લાહ વચ્ચેનું યુદ્ધ હવે ગંભીર તબક્કામાં પહોંચી ગયું છે.છેલ્લા પાંચ દિવસના અવિરત હવાઈ હુમલા વડે લેબનોન અને હેઝબોલ્લાહને ખોખરા કરી નાખ્યાં બાદ મંગળવારે ઇઝરાયેલની થળ સેના એ દક્ષિણ લેબનોનમાં પ્રવેશ કર્યો હતો.ઇઝરાયેલે આ આક્રમણને મર્યાદિત અને ચોક્કસ નીશાન કેન્દ્રિત ગણાવ્યું હતું પણ સાથે જ ઇઝરાયેલના રક્ષા મંત્રી યોઅવ ગેલેન્ટએ અલગ રાગ આલાપ્યો હતો. તેમણે લેબનોન સાથે સરહદ ધરાવતા ઉતર ઇઝરાયેલના વિસ્તારમાં લડાઈ માટે જરૂરી તમામ પગલાં લેવાનો હુંકાર કર્યો હતો અને જમીન,આકાશ અને દરિયામાંથી ત્રીપાંખીયા હુમલાની ચેતવણી આપી હતી.
યુદ્ધ વિરામની અમેરિકા સહિત વિશ્વના અનેક દેશોની વિનંતી ને અવગણીને ઇઝરાયેલે અગાઉથી જાહેર કર્યા મુજબ મંગળવારે સરહદ નજીકના લેબનોનના ગામડાઓ પર જમીની આક્રમણ કર્યું હતું.ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સ ના જણાવ્યા અનુસાર આ ગામડાઓ ઉતર ઇઝરાયેલના સરહદ નજીકના નાગરિકો માટે ખતરારૂપ હતા.સેનાના પ્રવક્તાએ કહ્યું કે ગાઝામાં હમાસ સાથેના યુદ્ધ સાથે જ જ્યાં સુધી હેઝબોલ્લાહ નો સફાયો ન થાય ત્યાં સુધી જમીની આક્રમણનું આ ‘ ઓપરેશન નોર્ધન એરો ‘ ચાલુ રહેશે.
ઇઝરાયેલી લડાકુ વિમાનોએ આકાશમાંથી ભીષણ બોમ્બ વર્ષા ચાલુ રાખી હતી.એ હવાઈ કવચ વચ્ચે સેનાએ લેબેનોનમાં ઘૂસણખોરી કરી અનેક બંકરોનો નાશ કરી નાખ્યો હતો.સતત પાંચમા દિવસે ઇઝરાયેલની વાયુ સેનાએ હેઝબોલ્લાહના આધિપત્યવાળા દક્ષિણ બૈરુત ના સીમાવર્તી ગામડાઓ પર ઢગલાબંધ બોમ્બ ઝીંક્યા હતા.લેબનોનના સરકારી પ્રવક્તાએ સોમવારે વધુ 95 લોકો માર્યા ગયા હોવાનું જણાવ્યું હતું.એ પહેલા ઇઝરાયેલે એ વિસ્તારના લોકોને સલામત સ્થળે પહોંચી જવાની ચેતવણી આપી હતી.
હેઝબોલ્લાહ અને હુતિ દ્વારા વળતા હુમલા
હેઝબોલ્લાહએ તેલ અવિવ નજીક મોસાદ ના વડા મથક ઉપર હુમલો કર્યો હોવાનો દાવો કર્યો હતો.હેઝબોલ્લાહએ ઇઝરાયેલના યુનિટ 8200 તરીકે ઓળખાતા તેલ અવિવનાં ગીલોટ બેઝ ખાતે આવેલા મીલીટરી ઇન્ટેલિજન્સ મથક ઉપર ઉપરા છાપરી રોકેટો દાગ્યા હતા.ઇઝરાયેલી સેનાના પ્રવક્તા એ કેટલાક રોકેટોને અધવચ્ચે જ આંતરી દીધા હોવાનું જણાવ્યું હતું.ઇઝરાયેલના ગુશ દાન, શરોન, યાર્કોન અને સમારિયા વોરનિંગ સાયરનથી ગાજતા રહ્યા હતા.મધ્ય ઇઝરાયેલમાં રોકેટ હુમલામાં એક વ્યક્તિ ઘાયલ થઈ હતી.બીજી તરફ હુતી લડાકુઓએ તેલ અવિવ ના જાફા વિસ્તાર તથા ઇલિયાટ શહેરના લશ્કરી થાણા પર માનવરહિત ડ્રોન વડે હુમલા કર્યા હતા.હેઝબોલ્લાહ ના ડેપ્યુટી લીડર નઈમ કાસીમે ઇઝરાયલ લેબરમાં પ્રવેશવા માગતું હોય તો જંગ માટે હેઝબોલ્લાહ તૈયાર હોવાનો હુંકાર કર્યો હતો. લેબનોન ના વડાપ્રધાન નજીબ મિકાતીએ તેમનો દેશ ઇતિહાસના સૌથી વધારે ખતરનાક તબક્કામાંથી પસાર થઈ રહ્યો હોવાનું જણાવ્યું હતું.