મ્યાનમારથી બાંગ્લાદેશ ભાગી રહેલા રોહિંગ્યા મુસ્લિમો પર ડ્રોન હુમલો : 200ના મોત…
લોકો સરહદ પાર કરવા માટે એકઠા થયા હતા ત્યારે ગોળીઓ વરસાવાઈ
રોહિંગ્યા મુસ્લિમોનું એક જૂથ દેશ છોડીને બાંગ્લાદેશ તરફ ભાગી રહ્યું હતું, ત્યારે તેમની બોટ પર ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને તેમાં લગભગ 200 લોકો માર્યા ગયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મ્યાનમારના રોહિંગ્યા મુસ્લિમો યુદ્ધથી બચવા માટે બાંગ્લાદેશ તરફ ભાગી રહ્યા હતા. મરનારાઓમાં પુરૂષોની સાથે મહિલાઓ અને બાળકો પણ સામેલ છે
સમાચાર એજન્સીએ જણાવ્યું કે રોહિંગ્યાઓ પર ડ્રોન હુમલો પાડોશી દેશ બાંગ્લાદેશની સરહદ પર થયો હતો. આ હુમલો મ્યાનમારના રખાઈન પ્રાંતમાં થયો હતો. આ અત્યાર સુધીનો સૌથી મોટો અને સૌથી ખતરનાક હુમલો માનવામાં આવે છે. આ હુમલામાં એક ગર્ભવતી મહિલા અને તેની બે વર્ષની પુત્રીનું પણ મોત થયું છે. મ્યાનમારની સેના અને મિલિશિયાએ આ હુમલા માટે એકબીજાને જવાબદાર ઠેરવ્યા છે.
અહેવાલો અનુસાર, સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં કાદવવાળા ખેતરમાં પડેલા મૃતદેહોના ઢગલા જોવા મળે છે. લોકોની સૂટકેસ અને બેકપેક તેમની આસપાસ વેરવિખેર પડી ગયા હતા. હુમલામાં બચી ગયેલા ત્રણ લોકોએ જણાવ્યું હતું કે લગભગ 200 લોકો મૃત્યુ પામ્યા હતા, જ્યારે ઘટના પછીના એક સાક્ષીએ જણાવ્યું હતું કે તેણે ઓછામાં ઓછા 70 મૃતદેહો જોયા છે. આ એજન્સી અનુસાર, આ હુમલો મ્યાનમારના દરિયાકાંઠાના શહેર મૌંદગડાની બહાર થયો હતો
હિંસક વિરોધને કારણે હાલ બાંગ્લાદેશમાં ઘણી અશાંતિ છે, જો કે, તેમ છતાં, મ્યાનમારના ઘણા રોહિંગ્યા મુસ્લિમો સરહદ પાર કરીને બાંગ્લાદેશ ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યા છે. મ્યાનમારથી ભાગી રહેલા રોહિંગ્યા મુસ્લિમોના આવા જ એક જૂથ પર સરહદ નજીક ડ્રોન વડે હુમલો કરવામાં આવ્યો હતો.