વ્હાઇટ હાઉસના ભાગને કારણે યમન પરના હુમલા ની વિગતો લીક થઈ ગઈ
અમેરિકાએ તા.15 મી માર્ચે યમનમાં હુતી ઠેકાણાઓ ઉપર કરેલા હુમલાનો પ્લાન એક ગંભીર ભૂલને કારણે લીક થઈ ગયો હોવાનું ખુલતા ભારે ચકચાર જાગી છે.એ હુમલાના આયોજનની ચર્ચા કરવા માટે ‘ સિગ્નલ ‘ મેસેજિંગ એપ પર બનાવવામાં આવેલા ટ્રમ્પ સરકારના મંત્રીઓ તેમજ સેના અને ઇન્ટેલિજન્સ વિભાગના ટોચના અધિકારીઓના ગ્રુપમાં ભૂલથી
‘ધ એટલાન્ટિક’ મેગેઝિનના એડિટર-ઇન-ચીફ જેફરી ગોલ્ડબર્ગને ઉમેરી દેવાયા હતા. આ ભૂલને કારણે ગુપ્ત સૈન્ય યોજનાઓ લીક થઈ ગઈ હતી એ ઘટનાને એક મોટી રાષ્ટ્રીય સુરક્ષા ભંગની ઘટના માનવામાં આવે છે.
જોવાની ખૂબી એ છે કે આવા અગત્યના ગ્રુપમાં એક પત્રકારને જોડી દેવાયા હોવા છતાં બાકીના 18 માંથી એક પણ સભ્યએ તે અંગે કોઈ સવાલ પણ નહોતો કર્યો.
પ્રાપ્ત વિગત મુજબ વ્હાઈટ હાઉસ દ્વારા બનાવવાના આવેલા “Houthi PC Small Group” માં 18 સભ્યો હતા, જેમાં નેશનલ સિક્યુરિટી એડવાઇઝર માઇક વોલ્ટ્ઝ, વાઇસ પ્રેસિડેન્ટ જેડી વાન્સ, રક્ષા મંત્રી પીટ હેગ્સેથ, વિદેશ મંત્રી માર્કો રુબિયો, સીઆઈએ ડિરેક્ટર જોન રેટક્લિફ, ડિરેક્ટર ઓફ નેશનલ ઇન્ટેલિજન્સ તુલસી ગબ્બાર્ડ, અને અન્ય વરિષ્ઠ અધિકારીઓનો સમાવેશ થતો હતો.તેમાં
15 માર્ચ, 2025ના રોજ યમનમાં હુથી લક્ષ્યો પર હુમલાની યોજના ચર્ચાઈ હતી. રક્ષા મંત્રી પીટ હેગ્સેથે સવારે 11:44 વાગ્યે (ઈસ્ટર્ન ટાઇમ) એક વિગતવાર મેસેજ મોકલ્યો હતો, જેમાં હથિયારોના પેકેજ, લક્ષ્યો અને હુમલાના સમયની ચોક્કસ માહિતી હતી. તેમણે પ્રથમ વિસ્ફોટ બપોરે 1:45 વાગ્યે થવાનો હોવાનું જણાવાયું હતું જે બાદમાં સાચું પડ્યું.
બન્યું હતું એવું કે માઇક વોલ્ટ્ઝે 11 માર્ચે ગોલ્ડબર્ગને સિગ્નલ પર કનેક્શન રિક્વેસ્ટ મોકલી હતી અને ગોલ્ડબર્ગે તેનો સ્વીકાર કર્યા બાદ 13 માર્ચે તેમને આ ગ્રુપમાં ઉમેરવામાં આવ્યા હતા.
ગોલ્ડબર્ગના જણાવ્યા મુજબ હુમલા પછીની સફળતા પર અધિકારીઓએ એકબીજાને અભિનંદન આપ્યા હતા, જેમાં ફ્લેગ અને ફાયર ઇમોજીનો ઉપયોગ થયો હતો.ગોલ્ડબર્ગે કરેલા આ ધડાકા બાદ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના પ્રવક્તા બ્રાયન હ્યુજે મેસેજ થ્રેડ ઓથેન્ટિક હોવાનું અને તપાસ ચાલુ હોવાનું જણાવ્યું હતું.ડેમોક્રેટિક સાંસદોએ આને રાષ્ટ્રીય સુરક્ષા ભંગ ગણાવીને તપાસની માંગ કરી હતી.