બે મહિનાના ઘર્ષણ બાદ ઇઝરાયેલ અને હેઝબોલ્લાહ વચ્ચે યુદ્ધવિરામ
બે મહિનાના લોહિયાળઘર્ષણ અને 3700 લોકોના મૃત્યુ બાદ અંતે અમેરિકા અને ફ્રાન્સની મધ્યસ્થિ વડે ઇઝરાયેલ અને હેઝબોલ્લાહ વચ્ચે યુદ્ધ વિરામ સંધિ થઈ હતી. સ્થાનિક સમય મુજબ બુધવારે બપોરે 4:00 વાગ્યાથી આ સંધિ અમલમાં આવી ગઈ હતી.
અમેરિકાના પ્રમુખ જો બાઇડીને આ સમજૂતી થવા બદલ આનંદની લાગણી વ્યક્ત કરી હતી. આ સમજૂતી મુજબ બેમાંથી એક પણ પક્ષ હવે આક્રમણ નહીં કરે.
60 દિવસમાં દક્ષિણ લેબનોનમાંથી ઇઝરાયેલી દળો પરત ફરશે. એ જ રીતે ઇઝરાયેલની ઉત્તર સરહદેથી હેઝબોલ્લાહના દળો ઉત્તરમાં લિતાની નદી તરફ પ્રસ્થાન કરી જશે. આ સમજૂતી મુજબ હેઝબોલ્લાહના તોડી પડાયેલા ઠેકાણાઓ નવેસરથી બાંધી નહિ શકાય.
જો હેઝબોલ્લાહ કે અન્ય કોઈ આ સમજૂતીનો ભંગ કરે અને ઇઝરાયેલ ની સલામતી પર ખતરો સર્જાય તો તેવા સંજોગોમાં આંતરરાષ્ટ્રીય કાયદાને સુસંગત તમામ વડતા પગલાં લેવાનો ઇઝરાયેલનો અબાધિત અધિકાર રહેશે.
અત્રે નોંધનીય છે કે ઇઝરાયેલ સાથેની અથડામણને કારણે હેઝબોલ્લાહ અત્યંત નબળું પડી ગયું છે અને હવે તેના વર્ચસ્વવાળા વિસ્તારોમાં લેબેનોનની સતા સ્થાપવાનું આસાન બની જશે. આ સમજૂતીને કારણે હમાસે પણ મોટો આશરો ગુમાવી દીધો છે. આ સંજોગોમાં હમાસ સાથે યુદ્ધ વિરામની અને બંધકો ની મુક્તિની સંભાવના પણ વધુ પ્રબળ બની છે.