BRICS તૂટી ગયું છે, હવે ત્યાંથી કાંઈ સાંભળવા મળતું નથી: ટ્રમ્પે ટોણો માર્યો
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વખત BRICS સંગઠનના રાષ્ટ્રો ઉપર પ્રહાર કરી, પોતે 150 ટકા ટેરીટ લગાવવાની ધમકી આપ્યા બાદ એ સંગઠન ખતમ થઈ ગયું હોવાનો અને તૂટી ગયું હોવાનો દાવો કર્યો હતો. નોંધનીય છે કે બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને સાઉથ આફ્રિકા આ સંગઠનના સ્થાપક સભ્ય હતા અને થોડા સમય પહેલા ઇજિપ્ત ઇથોપિયા ઇન્ડોનેશિયા ઈરાન અને યુએઈ પણ તેમાં સામેલ થયા હતા.
ટ્રમ્પે કહ્યું,”બ્રિક્સ દેશો આપણા ડોલરને નાબૂદ કરવાનો પ્રયત્ન કરતા હતા. તેઓ નવું ચલણ લાવવા માંગતા હતા. પણ મેં સતા સંભાળી ત્યારે પહેલું કામ એ દેશોને એ ચેતવણી આપવાનું કર્યું હતું કે જો તેઓ ડોલરને નાબૂદ કરવાનો વિચાર પણ કરશે તો હું 150 ટકા ટેરિફ લગાવીશ. મે કહ્યું હતું કે અમારે તમારા માલ સામાનની કોઈ જરૂર નથી. અને જુઓ,હવે એ સંગઠન તૂટી ગયું છે.” તેમણે ઉમેર્યું,” કોણ જાણે એ સંગઠનનું શું થયું? મે ચેતવણી આપ્યા બાદ આપણે હવે તેમના તરફથી કાંઈ સાંભળ્યું નથી”.
ટ્રમ્પે આ અગાઉ પણ અનેક વખત બ્રિક્સ રાષ્ટ્રને ધમકી આપતા ઉચ્ચારણો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે હું 100 ટકા ટેરીટ લગાવીશ તો એ રાષ્ટ્રો એવું પગલું ન લેવા માટે મારી પાસે ભીખ માંગશે. અત્રે એ યાદ કરવું પણ જરૂરી છે કે બ્રિક્સના રાષ્ટ્રોએ ડોલરના વિકલ્પ રૂપે દ્વિપક્ષીય વ્યાપાર સ્થાનિક ચલણમાં કરવાની પેરવી કરી હતી. જોકે ટ્રમ્પે ધમકી આપ્યા બાદ ભારતે એવો કોઈ વિચાર કે આયોજન ન હોવાની સ્પષ્ટતા કરી હતી.