એક અધિકારી છત સુધી પહોંચી ગયો હતો પણ ગનમેને રાયફલ તાકતાં નીચે ઉતરી ગયો
ટ્રમ્પ પરના હુમલા ની કડીબઘ્ધ વિગતો સામે આવી
સુરક્ષા વ્યવસ્થામાં છીંડા હોવાની શેરીફની કબુલાત
અમેરિકાના સ્થાનિક સમય મુજબ શનિવારે સાંજે 5:00 વાગ્યા આસપાસ પેન્સિલવેનિયાના બટલર શહેરમાં યોજાયેલી રેલીમાં ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર ગોળીબાર થયો તે પહેલાં બટલર ટાઉનશીપનો એક અધિકારી ઇમારતની છત ઉપર છેક હુમલાખોર થોમસ મેથ્યુ ક્રુક્સ સુધી પહોંચી ગયો હોવાનું અને બાદમાં જીવ બચાવવા માટે નીચે ઉતરી ગયો હોવાનું બહાર આવ્યું છે.
ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર હુમલો થયો તે પછી સભા સ્થળે ઉપસ્થિત સમર્થકોએ એક બંદુકધારી શખ્સ છત ઉપર હોવાનું ઘટના સ્થળે બંદોબસ્ત માં રહેલા સિક્રેટ એજન્ટોને જણાવ્યું હોવાનું અને તેમ છતાં કોઈ પગલાં ન લેવાયા હોવાનો મીડિયા સમક્ષ આક્ષેપ કર્યો હતો.
એ આક્ષેપને સમર્થન મળતું હોય તેમ હવે હુમલાની ઘટનાની કડીબધ્ધ વિગતો પ્રાપ્ત થઈ રહી છે.
આ અંગે બટલરના કાઉન્ટી શરીફ માઈકલ ટી સ્લુપે જણાવ્યું હતું કે રેલીના સ્થળ આસપાસ એક શંકાસ્પદ વ્યક્તિ ઉપસ્થિત હોવાનું જણાવતા અનેક ફોન ટાઉનશીપ ઓફિસરને મળ્યા હતા. જોકે શરૂઆતના ફોનમાં એ શખ્સ પાસે ગન હોવાનો ઉલ્લેખ નહોતો કરાયો.
શેરીફ માઇકલના કહેવા મુજબ ટાઉનશીપ ઓફિસર્સ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી અને એ દરમિયાન ગનમેન નજીકની ઇમારતની છત પર હોવાનું જાણવા મળ્યું હતું. બાદમાં એક અધિકારીની મદદથી બીજો એક અધિકારી છત ઉપર પહોંચ્યો હતો. જોકે એ સમયે જ શુટરે પાછળ ફરી છતની ધાર સુધી પહોંચી ગયેલા અધિકારી તરફ રાયફલ તાકી હતી અને એ અધિકારી પોતાનો જીવ બચાવવા માટે નીચે ઉતરી ગયા હતા. બાદમાં તુરત જ શૂટરે ગોળીબાર કર્યો હતો.
ગોળીબારની આ ઘટના બાદ ઘટના સ્થળે સુરક્ષા વ્યવસ્થા અંગે અનેક સવાલો ઊભા થયા હતા. બટલર કાઉન્ટીના શરીફે પણ શૂટર છેક ટ્રમ્પના સ્ટેજની સામેની ઇમારતની છત ઉપર પહોંચી જવામાં સફળ રહ્યો તે ઘટનાક્રમને સુરક્ષા વ્યવસ્થાના છીંડા સમાન ગણાવી હતી અને અંગે તપાસ ચાલી રહી હોવાનું તેમણે જણાવ્યું હતું.
એફબીઆઇના પીટસબર્ગ ઓફિસના ઇન્ચાર્જ એજન્ટ કેવિન રોનકે પણ આ ઘટના સુરક્ષા વ્યવસ્થા ની ખામીને કારણે બની હોવાનો નિર્દેશ આપ્યો હતો. સિક્રેટ સર્વિસના એજન્ટ ફાયરિંગ કરે તે પહેલા છત ઉપર ઉભેલો શૂટર સ્ટેજ ઉપર ગોળીબાર કરવામાં સફળ કઈ રીતે થયો તે અંગે તેમણે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.