ફ્રાન્સના ધ્વજ વિશે એલફેલ બોલનાર ઇમામને દેશની બહાર તગેડી મુકાયો
મુલ્લાએ ફ્રાન્સના ધ્વજને શેતાનિક ઝંડો કહ્યો હતો:સરકારે 12 કલાકમાં જ દેશનિકાલ કર્યો
ફ્રાન્સના રાષ્ટ્રીય ધ્વજ વિશે એલફેલ ટિપ્પણી કરનાર એક કટરપંથી મુસ્લિમ ધર્મગુરુ ની ધરપકડ કરી માત્ર 12 કલાકમાં જ દેશ નિકાલ કરી દેવાયો હતો. ફ્રાન્સની એક મસ્જિદમાં ઉપદેશ દરમિયાન ટ્યુનિશિયાના ધર્મગુરુ ઇમામ મહાજોબ મહાજોબીએ આ બકવાસ કર્યો હતો. તેમણે ફ્રાન્સના રાષ્ટ્રીય ધ્વજને શૈતાની ઝંડો ગણાવ્યો હતો.
મસ્જિદમાં બેસીને ઝેર ઓકનાર આ ઇમામે લીલો,સફેદ અને લાલ રંગ ધરાવતા ફ્રાન્સના રાષ્ટ્રીય ધ્વજ નો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે અલ્લાહના રસ્તામાં આવા કોઈ ઝંડા ને સ્થાન નથી. હવે આપણને પરેશાન કરનાર અને આપણા માટે માથાનો દુખાવો બની રહેનાર આ બધા તિરંગા ધ્વજ નહીં હોય.
તેમના ઉપદેશનો વિડીયો વાયરલ થયા બાદ પોલીસ તંત્ર એક્શનમાં આવી ગયું હતું. વિના વિલંબે મૌલવિની ધરપકડ કરવામાં આવી હતી અને તેના 12 કલાક પછી વિમાનમાં બેસાડી ટ્યુનિશિયા રવાના કરી દેવાયો હતો. ફ્રાન્સના મંત્રી ગેરાલ્ડ દ્રમનીને આ ઘટનાને ખેદજનક ગણાવી હતી અને કહ્યું કે ફ્રાન્સની સરકાર લોકોને ગમે તે કરવાની અને ઠીક લાગે તે કહેવાની છૂટ કદી નહીં આપે. ઘર ભેગા કરી દેવાયેલા ઈમામે પોતાનો ઈરાદો ફ્રાન્સના રાષ્ટ્રધ્વજનું અપમાન ન કરવા હોવાનો ખોખલો બચાવ કર્યો હતો. તેમના વકીલે દેશનિકાલ કરી દેવાના પગલાં ને અદાલતમાં પડકારવાની જાહેરાત કરી હતી.