કાશ્મીર સરહદે યુદ્ધ વિરામ ભંગ બીએસએફનો એક જવાન શહીદ
દિવાળી પહેલા પાકિસ્તાન દ્વારા કારણ ઉશ્કેરણી
24 દિવસમાં ત્રીજી વખત સરહદપારથી ગોળીબાર
દિવાળી પહેલા ફરી એક વખત પાકિસ્તાને સરહદ પર અટકચાળા શરૂ કર્યા છે. ગુરુવારે પાકિસ્તાને કરેલા અંધાધુંધ ગોળીબારમાં બીએસએફના એક જવાને શહાદત વહોરી હતી. નોંધનીય છે કે છેલ્લા ત્રણ અઠવાડિયામાં પાકિસ્તાન તરફથી યુદ્ધવિરામ ભંગ ની આ ત્રીજી ઘટના હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર જમ્મુ કાશ્મીરના સાંબ જિલ્લાની સરહદપારથી પાકિસ્તાને સવારે 4:00 વાગ્યા સુધી ફાયરિંગ કર્યું હતું. રામગઢ સેક્ટર પરની નયનપુર પોસ્ટ ઉપર થયેલા ગોળીબારમાં બીએસએફના લાલ ફર્ન ખીમા નામના જવાનને ગંભીર ઈજા પહોંચતા રાત્રે એક વાગે તેમને એર લિફ્ટ કરીને હોસ્પિટલે ખસેડાયા હતા જ્યાં તેમનું મૃત્યુ થયું હતું.
2021 માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની શાંતિ સમજૂતી બાદ પાકિસ્તાને પ્રથમ વખત યુદ્ધ વિરામ ભંગ કર્યો છે. આ અગાઉ 17મી ઓક્ટોબરે પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા ફાયરિંગમાં બીએસએફના બે જવાન ઘાયલ થયા હતા. 26 ઓક્ટોબરે જમ્મુના અરનીયા અને સૂચિત ગઢ સેક્ટરમાં પાકિસ્તાને ભારતની પાંચ ચોકી ઉપર મોર્ટાર હુમલા કર્યા હતા. એ ઘટનાઓમાં સરહદ નજીક આવેલા ગામડાના કેટલાક મકાનોની દીવાલો તૂટી પડી હતી અને એક જવાન તેમજ એક મહિલા ઘાયલ થયા હતા.
સોપિઆનમાં એક આતંકવાદીનો ખાતમો
ગુરુવારે સવારે સુરક્ષા દળોએ દક્ષિણ કાશ્મીરના સોપીઆનમાં આતંકવાદી સંગઠન ટી.આર.એફ ના આતંકી માયસર અહમદ દાર ને ઠાર માર્યો હતો.
એ વિસ્તારના કથોટકન નામના ગામડામાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી બાદ સુરક્ષા દળોએ એ ગામને ઘેરી લીધું હતું. એ દરમિયાન થયેલા સામસામે ગોળીબારમાં આ આતંકવાદી માર્યો ગયો હતો. ગામમાં અન્ય આતંકીઓ પણ છુપાયા હોવાની સંભાવનાને ધ્યાનમાં રાખી સુરક્ષા દળોએ ઘેરાબંધી ચાલુ રાખીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. કાશ્મીરમાં ભારતના સુરક્ષા દળોની કડક કાર્યવાહીને કારણે આતંકવાદ નબળો પડી રહ્યો છે. તેની વચ્ચે પણ છૂટી છવાઈ ઘટનાઓ બનતી રહી છે. 29 ઓક્ટોબરે શ્રીનગરના ઈદગાહ વિસ્તારમાં પોલીસ ઇન્સ્પેક્ટર મસરુર વાની સ્થાનિક યુવાનો સાથે ક્રિકેટ રમી રહ્યા હતા ત્યારે આતંકીઓએ કરેલા ગોળીબારમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા એ હુમલાની જવાબદારી પણ આતંકવાદી સંગઠન ટી. આર. એફ. એ લીધી હતી.