90 ટકા બાંગ્લાદેશીઓ મુસ્લિમ છે, બંધારણમાંથી સેક્યુલર શબ્દ હટાવો
બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકારના પતન બાદ કટ્ટરવાદીઓ નું વર્ચસ્વ વધ્યું છે ત્યારે હવે ધર્મનિરપેક્ષ બંધારણ ધરાવતા બાંગ્લાદેશને ઈસ્લામિક રાષ્ટ્ર બનાવવાની હિમાચલ ઉચ્ચ સ્તરેથી શરૂ થઈ ગઈ છે.
બાંગ્લાદેશના એટર્ની જનરલ અમઝુદઝમાને બાંગ્લાદેશની અદાલતમાં બંધારણના 15 માં સુધારા અંગેના કેસમાં દલીલ કરતી વેળાએ બંધારણમાંથી સેક્યુલર શબ્દ દૂર કરવાની માગણી કરી હતી.
તેમણે કહ્યું કે બાંગ્લાદેશની વસ્તીમાં ૯૦ ટકા મુસ્લિમો છે ત્યારે હવે સેક્યુલર શબ્દ રાખવાની જરૂર નથી.
તેમણે કહ્યું કે પહેલા અલ્લાહમાં સતત વિશ્વાસ અને શ્રદ્ધા હતી. હું એ સ્થિતિ પુનઃ સ્થાપિત કરવાની માંગણી કરું છું. તેમણે કહ્યું કે બંધારણની કલમ 2A બધાને સમાન અધિકાર અને ઇચ્છિત ધર્મનું પાલન કરવાની છૂટ આપે છે પણ સાથે જ આર્ટીકલ નવ બંગાળી રાષ્ટ્રવાદનું સમર્થન કરે છે. આ બંને જોગવાઈઓ પરસ્પર વિરોધાભાસી હોવાનું તેમણે જણાવ્યું હતું.
તેમણે દલીલ કરતા કહ્યું કે બાંગ્લાદેશના બંધારણમાં કોઈ સુધારો ન થઈ શકે તે જોગવાઈને કારણે લોકશાહીનું ગળું ઘોટાઈ રહ્યું છે અને સરમુખત્યારશાહીને પ્રોત્સાહન મળી રહ્યું છે. શેખ મુજીબુર રહેમાનને રાષ્ટ્રપિતાનો બંધારણીય દરજ્જો આપવાનો પણ તેમણે વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે શેખ મુજીબુર રહેમાનનું પ્રદાન અચૂક સન્માનને પાત્ર છે પણ કાયદા વડે એ સન્માન થોપવાથી વાણી સ્વાતંત્ર્યનો અધિકાર છીનવાય છે અને સમાજ વિભાજિત થાય છે.