બાંગ્લાદેશમાં 78 દિવસમાં હિન્દુઓ પર હુમલાના 88 બનાવ: સરકારની કબૂલાત
બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકારના પતન બાદ થયેલા તોફાનો દરમિયાન તારીખ 5 ઓગસ્ટ થી 22 મી ઓક્ટોબર સુધીના 78 દિવસમાં હિન્દુઓ પર હુમલાના
88 બનાવ બન્યા હોવાની બાંગ્લાદેશ સરકારે સત્તાવાર જાહેરાત કરી હતી. હસીના સરકારના પતન બાદ પ્રથમ વખત બાંગ્લાદેશ ગયેલા વિદેશ સચિવ વિક્રમ મિસરીની
મુલાકાત બાદ બાંગ્લાદેશે આ માહિતી આપી હતી.
બાંગ્લાદેશની વચગાળાની સરકારના ચીફ એડવાઈઝર મોહમ્મદ યુનુસના પ્રેસ સેક્રેટરી સફીકુલ આલમના
જણાવ્યા અનુસાર આ હુમલાઓ સંદર્ભે 70 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે હુમલાઓનો ભોગ બનનાર કેટલાક લોકો શેખ હસીનાની અવામી લીગ પાર્ટી સાથે સંકળાયેલા હતા. કેટલાક હુમલાઓ અંગત અદાવતને કારણે થયા હોવાનું તેમણે જણાવ્યું હતું. કેટલાક અપવાદરૂપ કિસ્સાઓને બાદ કરતા હિન્દુઓ પરના આ હુમલાઓ ધર્મના આધારે ન થયા હોવાનો તેમણે દાવો કર્યો હતો.
તેમણે કહ્યું કે 88 હુમલાનો આંકડો 22મી ઓક્ટોબર સુધીનો છે. તે પછી પણ સુનાલગંજ,ગાજીપુર અને અન્ય કેટલાક વિસ્તારોમાં હુમલા ની ઘટનાઓ બની છે તે જોતા હુમલાઓની સંખ્યા હજુ પણ વધી શકે છે.
નોંધનીય છે કે બાંગ્લાદેશમાં હિન્દુઓ પરના અત્યાચાર અને ધર્મસ્થાનો પરના હુમલા તેમ જ સંતોની ધરપકડના ભારતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. અનેક સ્થળે હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવે છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધો તળિયે પહોંચ્યા છે ત્યારે ત્યાં ગયેલા વિદેશ સચિવ વિક્રમ મિસરીએ
બાંગ્લાદેશના વિદેશ મંત્રી તોફીક હુસેન તેમજ વચગાળાની સરકારના ચીફ એડવાઈઝર મોહમ્મદ યુનુસ સાથે મુલાકાત કરી હતી અને હિન્દુઓ પરના હુમલા અંગે ઘેરી ચિંતા વ્યક્ત કરી હિન્દુ સમુદાય અને અન્ય ધાર્મિક લઘુમતીઓની સલામતી સુનિશ્ચિત કરવા અનુરોધ કર્યો હતો.
