અમેરિકામાં ભારતના 2 સ્ટુડન્ટના અકસ્માતમાં મોત
એરિઝોનામા એમની કાર બીજી કાર સાથે અથડાઇ હતી
અમેરિકામાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓના મોતનો સિલસિલો અટકવાનુ નામ નથી લઈ રહ્યો. પાછલા દિવસોમાં આવા અનેક બનાવો બન્યા છે. હવે માર્ગ અકસ્માતમાં વધુ બે ભારતીય વિદ્યાર્થીઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. એરિઝોના રાજ્યના કેસલ હોટ સ્પ્રિંગ્સ રોડ પર બે કારો વચ્ચે ટકકર થઈ હતી.
પોલીસે કહ્યુ હતુ કે, ‘અકસ્માતનુ કારણ તો જાણવા નથી મળ્યુ પણ તેમાં બે વ્યકિતઓના મોત થયા છે અને તેમની ઓળખ ભારતીય વિદ્યાર્થીઓ તરીકે થઈ રહી છે.’
પોલીસે માહિતી આપી હતી કે, ‘મરનાર વિદ્યાર્થીઓ પૈકી એકનુ નામ નિવેશ મુકકા અને બીજાનુ નામ ગૌતમ પારસી છે. આ બંને વિદ્યાર્થીઓ તેલંગાણા રાજ્યના છે અને એરિઝોના સ્ટેટ યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરતા હતા. તે પોતાના મિત્રો સાથે યુનિવર્સિટીથી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે સ્ટેટ હાઈવે પર સામેથી આવતી કાર સાથે તેમની કારનો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં અન્ય કેટલાક લોકો ઘાયલ થયા છે.’