રાજદ્વારી સુરક્ષા પરત લેવાનુંભારતનું પગલું ગેરવ્યાજબી
કેનેડા વિવાદમાં યુકે,યુએસએ એ પ્રથમ વખત ભારતની ટીકા કરી
ભારતે કેનેડાના 41 રાજદ્વારીઓની સુરક્ષા અને વિશેષાધિકારો પર લગામ લગાવ્યા બાદ કેનેડાએ એ રાજદ્વારીઓ અને તેમના પરિવારજનોને પરત બોલાવી લીધા એ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. અમેરિકા અને બ્રિટને આ મુદ્દે ભારતની સ્પષ્ટ શબ્દોમાં ટીકા કરી હતી.
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ ના પ્રવક્તા મેથ્યુ મિલોએ કહ્યું કે ભારતમાં કેનેડાના રાજદ્વારીઓની સંખ્યા ઘટાડવા અંગેના ભારતના આદેશ બાદ થયેલી કેનેડિયન રાજદ્વારીઓની રવાનગી મુદ્દે અમેરિકા ખૂબ ચિંતિત છે. આ વિવાદ નો રાજદ્વારી માર્ગે ઉકેલ લાવવાની સલાહ આપતા તેમણે ભારત હવે કેનેડિયન રાજદ્વારીઓની વધુ સંખ્યા ઘટાડવા માટે આગ્રહ નહીં કરે એવી અપેક્ષા વ્યક્ત કરી હતી.
બ્રિટિશ વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે કેનેડિયન રાજદ્વારીઓની રવાનગી માટે કારણભૂત એવા ભારતના નિર્ણય સાથે અમે સહમત નથી.
ઉલ્લેખનીય છે કે ચીનના વધતા જતા પ્રભાવને ખાળવામાં ભારતની મહત્વની ભૂમિકાને ધ્યાનમાં લઈને પશ્ચિમના દેશોએ કેનેડાના મુદ્દે ભારતની ટીકા કરવાનું અત્યાર સુધી ટાળ્યું હતું પણ આટલી મોટી સંખ્યામાં કેનેડાના રાજદ્વારીઓને પરત જવું પડ્યું તે પછી પ્રથમ વખત કેનેડાના આ બે સાથી દેશોએ ભારતની સીધી ટીકા કરી છે.
આ આંતરરાષ્ટ્રીય કાનૂન નું ઉલંઘન છે
અમેરિકાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા કહ્યું કે કેનેડાના માન્ય રજદ્વારીઓને વિશેષાધિકારો અને રાજદ્વારી સુરક્ષા આપવા સહિતની ‘ વિયેના કન્વેન્શન ઓન ડિપ્લોમેટીક રિલેશન્સ ‘ ની જોગવાઈઓનું ભારત પાલન કરે એવી અમે અપેક્ષા રાખીએ છીએ.
બ્રિટનના વિદેશ કાર્યાલયે પણ વિયેના કન્વેન્શનનો હવાલો આપીને કહ્યું કે રાજદ્વારીઓની સલામતી અને સુરક્ષા માટે પ્રદાન કરતા વિશેષાધિકારો અને પ્રતિરક્ષાઓને એકપક્ષીય રીતે દૂર કરવી એ વિયેના સંમેલનના સિદ્ધાંતો અથવા અસરકારક કામગીરી સાથે સુસંગત નથી.
હત્યા કેસ તપાસનું
ભૂત ફરી ધૂણ્યું
અમેરિકાએ વધુ એક વખત કહ્યું કે નિજજર હત્યા કેસમાં કેનેડાએ કરેલા આક્ષેપોને અમે ખૂબ ગંભીરતાપૂર્વક લઈએ છીએ. બ્રિટન અને અમેરિકા બંનેએ ફરી એક વખત ભારતને હત્યા કેસની તપાસમાં કેનેડાને સહયોગ આપવા અનુરોધ કર્યો હતો.
ભારે મુશ્કેલી સર્જાશે,
ટુડોની ગર્ભિત ચેતવણી
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટુડોએ કહ્યું કે ભારત રાજદ્વારી સંબંધોના મૂળભૂત સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરી રહ્યું છે અને તેને કારણે ભારત અને કેનેડાના લાખો લોકો મુશ્કેલીમાં મુકાશે.તેમણે ગર્ભિત ચેતવણી આપતા કહ્યું કે કેનેડાના રાજદ્વારીઓની હકાલપટ્ટીથી મુસાફરી અને વેપારમાં અવરોધ આવશે અને કેનેડામાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ માટે મુશ્કેલી સર્જાશે.