ભારત અને કેનેડા વચ્ચેનો વિવાદ વધુ જટિલ બન્યો
પુરાવા નથી મળ્યા: ભારત
પુરાવા આપ્યા છે. :કેનેડા
હરદીપસિંઘ નીજજર ની હત્યા મામલે કેનેડાએ ભારતને પુરાવા પણ આપ્યા હોવાનો કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટુડોએ દાવો કરતા આ સમગ્ર પ્રકરણ વધુ જટિલ બન્યું છે. નોંધનીય છે કે કેનેડાએ આ આક્ષેપો અંગે કોઈ ચોક્કસ પ્રકારના પુરાવા ન આપ્યો હોવાનો ભારતે આક્ષેપ કરી અને ભારતની કોઈપણ જાતની સંડોવણી હોવાનો ઇનકાર કર્યો હતો.
શનિવારે ઓટ્ટાવા ખાતે પત્રકારો સાથેના વાર્તાલાપ દરમિયાન જસ્ટિન ટુડોએ કહ્યું કે હત્યામાં ભારતની સંડોવણી હોવાના ગંભીર આક્ષેપો અંગે અમે ઘણા સમય પહેલા ભારતને માહિતી આપી હતી. તેમણે કહ્યું કે અમે આશા રાખીએ છીએ કે ભારત આ અત્યંત ગંભીર ઘટનાના મૂળ સુધી પહોંચવામાં અમને સહકાર આપશે.
નોંધનીય છે કે એ અગાઉ ન્યૂયોર્કમાં પણ તેમણે આ હત્યામાંમાં ભારતની સંડોવણીના પુરાવા હોવાનો દાવો કર્યો હતો. એ તો બધા જાણે છે કે જસ્ટિન ટુડોએ કરેલા આક્ષેપો બાદ બંને દેશ વચ્ચે રાજદ્વારી સંકટ સર્જાયું છે. ભારતે તો કેનેડિયન નાગરિકોને વિઝા આપવાનું પણ કામ બંધ કરી દેતાં બંને દેશો વચ્ચેના સંબંધ ઐતિહાસિક તળિયે પહોંચ્યા છે. અધૂરામાં પૂરું હવે જસ્ટિન ટુડોએ ભારતને પુરાવા પણ આપ્યા હોવાનો દાવો કરતા આ પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે.
બ્લીનકેન નું સૂચક નિવેદન
અમેરિકાના વિદેશ મંત્રી એન્ટોની બ્લીન્કેને આ મામલે પ્રથમ વખત નિવેદન આપતા જણાવ્યું હતું કે હત્યામાં ભારતની સંડાણીના ટુડોએ કરેલા આક્ષેપો અંગે અમેરિકા ખૂબ ચિંતિત છે. અમે આ અંગે ભારત સરકાર સાથે સીધી વાત કરી છે અને કેનેડા સાથે માત્ર પરામર્શ નહીં પણ સંકલન પણ કરી રહ્યા છીએ. તેમણે ખૂબ સૂચક શબ્દોમાં ઉમેર્યું કે આ તપાસમાં ભારત કેનેડા સાથે સહભાગી બને તે ખૂબ મહત્વનું છે જેથી ઘટના અંગે જવાબદારી નક્કી થઈ શકે.
યુએસ માટે કેનેડા કરતા
ભારત વધુ મહત્વનું
પેન્ટાગોન ના પૂર્વ ઉચ્ચ અધિકારી માઈકલ રૂબીને કહ્યું કે અમેરિકાએ જો કેનેડા અને ભારત વચ્ચે પસંદગી કરવાની હશે તો નિઃશંક પણે કળશ ભારત ઉપર જ ઢોળાશે અને તેનું એક કારણ એ છે કે હરદીપસિંઘ આતંકવાદી હતો. તેમણે વધુમાં કહ્યું કે કેનેડા કરતા ભારત સાથેના વ્યૂહાત્મક સંબંધો અમેરિકા માટે વધારે અગત્યના છે.