જર્મનીમાં અથડામણ અને દેખાવની 1100 ઘટના: સો પોલીસ ઘાયલ
સમગ્ર વિશ્વમાં અશાંતિ સર્જાવાનો ખતરો: ઇઝરાયલ – હમાસ યુદ્ધના હિંસક પડઘા
ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધને કારણે સમગ્ર વિશ્વ બે છાવણી માં વહેંચાઈ ગયું છે. એક તરફ ઇઝરાયેલના ટેકામાં અને બીજી તરફ પેલેસ્ટાઇન અને હમાસના સમર્થનમાં દેખાવો અને વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. આ દરમિયાન આ યુદ્ધના અનુસંધાને જર્મનીમાં નાની મોટી અથડામણો, વિરોધ પ્રદર્શનનો તથા ઘર્ષણની પાંચ પંદર નહીં પણ 1100 ઘટના બનતા સરકાર ચોંકી ઉઠી છે.
જર્મનીના ઇન્ટિરિયર મિનિસ્ટર નેન્સી ફેઝરે કહ્યું કે આ પ્રાથમિક આંકડા છે. પોલીસે અત્યાર સુધીમાં જ 1100 ગુના નોંધ્યા છે જેમાં શારીરિક હુમલા, શાંતિ ભંગ, માલ મિલકતને નુકસાન, પોલીસ ઉપર હુમલા તેમ જ નફરત ફેલાવવા જેવા અપરાધોનો સમાવેશ થાય છે.
મોટાભાગની ઘટના પાટનગર બર્લીનમાં બની હતી. પોલીસે જાહેર સલામતી ને ધ્યાનમાં લઇ સેંકડો લોકોની ધરપકડ કરી હતી. આ ઘર્ષણ દરમિયાન 100 પોલીસમેનને ઈજા થઈ હોવાનું જાહેર થયું છે. ઉલ્લેખનીયે છે કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જર્મનીમાં લાખો યહૂદીઓનો નરસંહાર કરવામાં આવ્યો હતો. ઇઝરાયલે ગાઝા ઉપર હુમલો કર્યો તે પછી જર્મનીના મુસ્લિમ સમુદાયમાં ભારે રોષ છે અને મુસ્લિમ લોકો યહૂદીઓને નિશાન બનાવી રહ્યા છે. જર્મન સરકારે આવી કોઈ પણ પ્રવૃત્તિને કડક હાથે દબાવી દેવાની ચેતવણી ઉચ્ચારી હતી. એ પણ યાદ કરવું જરૂરી છે કે જર્મની, ફ્રાન્સ અને ઓસ્ટ્રેલિયા સહિત પશ્ચિમના અનેક દેશોએ અમાસના સમર્થનમાં દેખાવો કરવા પર પ્રતિબંધ લાદયો છે.
લંડનમાં પણ ગુનાખોરીમાં
1353 ટકાનો વધારો
યુદ્ધ શરૂ થયા બાદ લંડનમાં એન્ટિસેમેટિક અને ઇસ્લામફોબિયા સંબંધિત ગુનાઓમાં 1353 ટકાનો વધારો નોંધાયો હતો. યુકે પોલીસના જણાવ્યા અનુસાર ગત વર્ષે 1 ઓક્ટોબરથી 18 ઓક્ટોબર વચ્ચે એન્ટીસેમેટિક ગુનાઓની 15 ઘટના બની હતી તેની સામે આ વર્ષે એ જ સમયગાળા દરમિયાન 218 ગુના નોંધાયા છે. ઇસ્લામ ફોબિયાને કારણે આ સમય દરમિયાન 42 ગુના બન્યા હોવાનું સત્તાવાર રીતે જાહેર થયું છે. લંડનમાં આ અગાઉ પણ ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન સમર્થકો વચ્ચે અથડામણની ઘટના બની હતી. રવિવારે વધુ એક ઇઝરાયેલ વિરોધી રેલી નું આયોજન થયું હોવાથી પોલીસ બની ગઈ છે અને એ રેલી સંદર્ભે 1000 પોલીસોને તેનાત કરી દેવામાં આવ્યા છે.
