અમેરિકામાં આપઘાતના આઘાતજનક આંકડા
2022 માં 49500 લોકોએ જીવન ટૂંકાવી લીધું હતું, ખુદ અમેરીકી સરકારે જાહેર કરી માહિતી
અમેરિકામાં પણ સમાજ જીવન અશાંતિની ગર્તામાં ધકેલાયું છે તે વાતની સાબિતી કરતા અહેવાલો બહાર આવ્યા છે. 2022માં અમેરિકામાં લગભગ 49,500 લોકોએ આપઘાત કરી લીધા હતા. આ અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. આ માહિતી ખુદ અમેરિકી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નવા આંકડાઓમાં જાણવા મળી હતી. રોગ નિયંત્રણ અને રોકથામ કેન્દ્ર દ્વારા હજુ સુધી માત્ર આંકડા જાહેર કરાયા છે. જોકે અત્યાર સુધી તેની ગણતરી બાકી જ છે. પરંતુ તાજેતરના આંકડાથી એ માહિતી મળી છે કે બીજા વિશ્વ યુદ્ધની શરૂઆત બાદથી અત્યાર સુધીનો આ આપઘાતનો દર સૌથી વધુ છે.
નિષ્ણાતોનું આ મામલે કહેવું છે કે આપઘાત જટિલ હોય છે અને તાજેતરમાં આવી ઘટનાઓમાં વધારાના અનેક કારણ હોઈ શકે છે જેમાં લોકોમાં વધતું જતું ડિપ્રેશન અને માનસિક સ્વાસ્થ્ય સેવાઓની મર્યાદિત ઉપલબ્ધતા પણ સામેલ છે.
પરંતુ અમેરિકન ફાઉન્ડેશન ફોર સ્યુસાઈડ પ્રિવેન્શનમાં રિસર્ચના વરિષ્ઠ ઉપાધ્યક્ષ ઝિલ હરકવી- ફ્રાઈડમેને કહ્યું કે ગનકલ્ચરની આ આપઘાતની ઘટનાઓ વધવામાં મોટી ભૂમિકા રહી છે. ગન વડે કરાયેલા આપઘાતના પ્રયાસ અન્ય રીતે કરાયેલા પ્રયાસોની તુલનાએ મૃત્યુનું વધુ કારણ બન્યા છે. બંદૂકોના વેચાણમાં પણ તેજી નોંધાઈ છે.
તાજેતરમાં જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના વિશ્લેષણમાં શરૂઆતના 2022ના ડેટાનો ઉપયોગ કરી ગણતરી કરાઈ કે દેશમાં ગન વળે કરાયેલા આપઘાતનો દર ગત વર્ષે અત્યાર સુધીના ઓલ ટાઈમ હાઈ લેવલ પર પહોંચી ગયો છે. રિસર્ચરોએ નોંધ લીધી કે પહેલીવાર અશ્વેત કિશોરોમાં ગન વડે આપઘાત કરવાનો દર શ્વેત કિશોરોની તુલનાએ વધુ રહ્યો.
