અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી હેનરીકિસિંજરનું સો વર્ષની વયે નિધન
શીત યુદ્ધ સમયે અમેરિકાની વિદેશ નીતિના ઘડવૈયા હતા
વિશ્વના સૌથી વધારે શક્તિશાળી અને મુત્સદ્દી નેતાઓમાં જેમની ગણના થાય છે તેવા અમેરિકાના ભૂતપૂર્વ વિદેશ મંત્રી હેનરી કિસિંજરનું બુધવારે તેમના કનેક્ટીકટ ખાતેના નિવાસ્થાને 100 વર્ષની વયે નિધન થયું હતું. શીત યુદ્ધ સમયના અમેરિકાના પ્રમુખો રિચાર્ડ નિક્સન અને ગેરાલ્ડ ફોર્ડ ના કાર્યકાળ દરમિયાન તેમને અમેરિકાની વિદેશ નીતિના ઘડવૈયા માનવામાં આવે છે.
તેમનો જન્મ 25 મે 1923 ના રોજ જર્મનીના યહૂદી પરિવારમાં થયો હતો. યહૂદીઓ ઉપરના અત્યાચારથી બચવા માટે 1938 માં તેમનો પરિવાર જર્મનીથી ભાગી અને યુએસમાં સ્થાયી થયો. 1943 માં તેમને અમેરિકાનું નાગરિકત્વ પ્રાપ્ત થયા બાદ બીજા વિશ્વયુદ્ધ સમયે તેમણે અમેરિકાની સેનામાં ફરજ બજાવી હતી. તીક્ષ્ણ બૌધિક ક્ષમતા ધરાવતા હાવર્ડ યુનિવર્સિટીમાંથી માસ્ટર તથા ડોક્ટરેટની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. કારકિર્દીના પ્રારંભે તેઓ વિદેશનીતિના કન્સલ્ટન્ટ તરીકે ફરજ બજાવતા હતા. રિચાર્ડ નિક્સને તેમની વિદેશ મંત્રી તરીકે નિમણુક કરી તે પછી અમેરિકાના પાવર સેન્ટરમાં તેઓ સૌથી વધુ શક્તિશાળી અને વગદાર નેતા તરીકે ઉભરી આવ્યા હતા. અમેરિકા અને રશિયા વચ્ચે આર્મ કંટ્રોલ વાર્તાલાપ, ચીન અને અમેરિકા વચ્ચે રાજદ્વારી સંબંધોના સ્થાપન, નોર્થ વિએટનામ સાથે ની પેરિસ શાંતિ સમજૂતી તેમજ મધ્ય પૂર્વના યોમ કુપર અને વિયેટનામ યુદ્ધના અંત લાવવામાં તેમણે ભજવેલી મહત્વની ભૂમિકા બદલ તેમને યાદ કરવામાં આવે છે. જોકે તેમનો કાર્યકાળ વિવાદોથી પણ ભરપૂર રહ્યો હતો.
ટીકાકારોએ તેમને સરમુખત્યાર અને વોર ક્રિમિનલ ગણાવ્યા હતા. 1973 માં તેમને નોર્થ વિયેતનામના લી ડુક થો સાથે સંયુક્ત રીતે નોબલ પીસ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જોકે તેમને શાંતિ પુરસ્કાર આપવાના વિરોધમાં નોબેલ કમિટીના બે સભ્યોએ રાજીનામાં આપી દીધા હતા. હેનરી કિસીન્જર નિવૃત્ત થયા બાદ પણ અત્યંત સક્રિય હતા. લીડરશીપ સ્ટાઇલ વિશે તેમણે પુસ્તક લખ્યું હતું. છેલ્લે 2023 માં જૂન મહિનામાં તેમણે બેઝિંગમાં ચીનના પ્રમુખ શ્રી જીનપીંગ સાથે મુલાકાત લઈને સૌને આશ્ચર્યચકિત કર્યા હતા.