એલોપથી નહીં પણ આયુર્વેદ અકસીર…સાંધાના દુઃખાવા, પાચનતંત્ર સહિતના હઠીલા રોગોમાં દર્દીઓને સચોટ પરિણામ
કોરોના મહામારી બાદ એલોપથી દવા જે કામ ન કરી શકી તે આયુર્વેદે કરી બતાવતા સમગ્ર વિશ્વ ભારતીય આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ તરફ આકર્ષાયું છે ત્યારે રાજકોટ જિલ્લામાં જિલ્લા પંચાયતના આયુર્વેદ વિભાગ દ્વારા સમગ્ર જિલ્લામાં 18 આયુર્વેદ ક્લિનિક અને એક હોસ્પિટલ દ્વારા લોકોને જુના હઠીલા દર્દોમાં સંપૂર્ણપણે આયુર્વેદિક પદ્ધતિથી નિદાન સારવાર કરી જુના હઠીલા કહી શકાય તેવા રોગને જડમૂળથી મટાડી દર્દીઓને સ્વસ્થ બનાવી રહ્યું હોય માઉથ ટુ માઉથ પબ્લિસિટી મારફતે આજે વર્ષે દહાડે 2 લાખથી વધુ દર્દીઓ આ આયુર્વેદ કેન્દ્ર અને હોસ્પિટલની સારવાર લેતા થયા છે.
રાજકોટ જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા હાલમાં રાજકોટ જિલ્લામાં 18 આયુર્વેદિક ક્લિનિક અને જસદણ તાલુકાના આટકોટ ખાતે એક સંપૂર્ણ આયુર્વેદિક હોસ્પિટલ ચલાવવામાં આવે છે જ્યાં આયુર્વેદના નિષ્ણાત તબીબો દ્વારા સાંધાને લગતી તકલીફો, પાચનતંત્રને લગતા રોગ, શ્વસનતંત્રના રોગ, મળદ્વારને લગતા રોગ, જીવનશૈલીને લગતા રોગ તેમજ ચામડીને લગતા તમામ રોગની સારવાર કરી દર્દીઓને દર્દથી કાયમી રાહત આપવામાં આવી રહી છે. ખાસ કરીને આયુર્વેદ ક્લિનિક અને હોસ્પિટલના નિષ્ણાત તબીબો દ્વારા અગ્નિકર્મ સહિતના ઉપચાર વડે દર્દીઓને સાજા નરવા કરવામાં આવતા હોવાથી લોકોનો આયુર્વેદ પ્રત્યે વિશ્વાસ વધુ દ્રઢ બન્યો છે.
રાજકોટ જિલ્લા પંચાયતના આયુર્વેદ વિભાગના અધિકારી દીનાબેન સોનાગ્રાના જણાવ્યા મુજબ આયુર્વેદ શાખા અંતર્ગત રાજકોટ જિલ્લામાં 18 આયુર્વેદ ડિસ્પેન્સરી તેમજ જસદણના આટકોટ ખાતે આયુર્વેદિક હોસ્પિટલ કાર્યરત છે, આ ઉપરાંત રાજકોટ જિલ્લામાં 9 હોમિયોપેથીક ક્લિનિક પણ ચાલી રહ્યા છે જેમાં આયુર્વેદ ક્લિનિકમાં સંપૂર્ણ પણે આયુર્વેદિક દવાઓ અને હોમિયોપેથ ક્લિનિકમાં સંપૂર્ણપણે હોમિયોપેથીક દવાઓથી જ દર્દીઓની સારવાર કરવામાં આવે છે, જો કે રાજકોટ જિલ્લામાં હાલમાં જામકંડોરણા, કોટડાસાંગાણી, વિછિયા અને પડધરી તાલુકા સિવાય તમામ તાલુકાઓમાં દર્દીઓ માટે આયુર્વેદિક-હોમિયોપેથીક સારવાર ઉપલબ્ધ છે અને ઉક્ત ચારેય તાલુકાઓમાં પણ આયુર્વેદિક કલીનીકો શરૂ થાય તે માટે પ્રયાસો ચાલુ છે.

રાજકોટના ખેરડી ગામે 1966થી આયુર્વેદિક ક્લિનિક કાર્યરત
રાજકોટ જિલ્લામાં રાજકોટ તાલુકાના ખેરડી ગામે વર્ષ 1966થી આયુર્વેદિક ક્લિનિક કાર્યરત છે, અહીં ફરજ બજાવતા મેડિકલ ઓફિસર ડો.ભાનુભાઇ મેહતાએ જણાવ્યું હતું કે, નાના એવા ખેરડી ગામના આ ક્લિનિકમાં દૂર-સુદૂરથી લોકો સારવાર શુશ્રુષા માટે આવી રહ્યા છે અને જુના દર્દીઓમાં તેમજ ખાસ કરીને એલોપથી સારવારથી થાકેલ દર્દીઓને પણ 100 ટકા પરિણામ સાથે સારવાર આપવામાં આવી રહી છે, ખેરડી ગામનું આયુર્વેદિક ક્લિનિક સમગ્ર રાજ્યમાં ટોપ-10માં સામેલ હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે.
આયુર્વેદિક ક્લિનિકમાં થતી સારવાર
રાજકોટ જિલ્લા પંચાયત હસ્તકના આયુર્વેદિક અને હોમિયોપેથીક ક્લિનિકમાં વર્ષ 2022-23માં કુલ 1,96,873 દર્દીઓએ સારવાર લીધી હતી જયારે વર્ષ 2023-24માં કુલ 2,11,684 દર્દીઓએ વિવિધ પ્રકારના રોગની સારવાર લીધી હતી જેમાં મુખ્યત્વે નીચેના રોગના દર્દીઓનું પ્રમાણ વધુ રહ્યું હતું.