Brain Strokeની સારવારમાં અકસીર છે ‘રઘુપતિ રાઘવ રાજા રામ’ અને ‘એ મેરે વતન કે લોગોં’
- જાણો કેવી રીતે કામ કરશે AIIMS દિલ્હીની આ નવી મ્યુઝિક થેરાપી
AIIMS દિલ્હી બ્રેઈન સ્ટ્રોકના દર્દીઓ માટે એક ખૂબ જ સારા અને નવા ઈનોવેશન પર કામ કરી રહ્યું છે. AIIMS દિલ્હી અને IIT દિલ્હી સાથે મળીને મ્યુઝિક થેરાપી મોડ્યુલ પર કામ કરી રહ્યા છે, જેમાં સંગીત દ્વારા બ્રેઈન સ્ટ્રોકના દર્દીઓની સારવાર કરવામાં આવશે. દર્દીઓને ભારતીય સંગીતની ધૂનનો ઉપયોગ કરીને બોલવાનું શીખવવામાં આવશે.
એઈમ્સના ડો. દીપ્તિ વિભાએ જણાવ્યું કે, બ્રેઈન સ્ટ્રોક પછી જે દર્દીઓ સાંભળવાની અને બોલવાની ક્ષમતા ગુમાવી દીધી છે, તેઓને સંગીત દ્વારા બોલવાનું શીખવવામાં આવશે. ભારતમાં પ્રથમ વખત અફેસીયાથી પીડિત દર્દીઓ માટે મ્યુઝિક થેરાપી મોડ્યુલ તૈયાર કરવામાં આવી રહ્યું છે અને એઈમ્સનો ન્યુરોલોજી વિભાગ આમાં આઈઆઈટી દિલ્હીની મદદ લઈ રહ્યા છે.
શું છે અફેસીયા?
બ્રેઈન સ્ટ્રોક પછી લગભગ 21 થી 38 ટકા દર્દીઓ અફેસીયાથી પીડાય છે. અફેસીયામાં દર્દીના મગજનો ડાબો ભાગ કામ કરવાનું બંધ કરી દે છે. મગજના ડાબા ભાગને કારણે જ વ્યક્તિ બોલી શકે છે અને વસ્તુઓ સમજીને પોતાની લાગણીઓ લોકોની સામે વ્યક્ત કરે છે.
અફેસિયાથી પીડિત દર્દી એક નાનો શબ્દ પણ બોલી શકતો નથી અને આ સમસ્યાને દૂર કરવા માટે એઈમ્સના ન્યુરોલોજી વિભાગ દર્દીઓ માટે મ્યુઝિક થેરાપી પર કામ કરી રહ્યું છે. વિદેશમાં આવા દર્દીઓ માટે મ્યુઝિક થેરાપીનો ઉપયોગ કરવામાં આવે છે.
કેવી રીતે આપવામાં આવે છે મ્યુઝિક થેરાપી
ડો. વિભા જણાવે છે કે, અફેસીયામાં દર્દીના મગજનો ડાબો ભાગ યોગ્ય રીતે કામ કરતો નથી પરંતુ જમણો ભાગ સંપૂર્ણ રીતે સ્વસ્થ રહે છે, જેના કારણે દર્દી મ્યુઝિકને સમજી શકે છે અને સાથે જ તેની ધૂન પણ ગુંજી શકે છે. અફેસીયાને લીધે એક પણ શબ્દ ન બોલી શકનાર દર્દી મ્યુઝિક થેરાપી દ્વારા આખું મ્યુઝિક ગુંજી શકે છે.
મ્યુઝિક થેરાપી દ્વારા સૌ પ્રથમ દર્દીની સામે નાની-નાની મ્યૂઝિકની ધૂન વગાડવામાં આવે છે, જેને દર્દી સમજી શકે છે અને તેને ગુંજી શકે છે. આ ધૂન અગાઉથી નક્કી કરવામાં આવે છે. પહેલા દર્દીઓને ટુકડે ટુકડે અને પછી આખી લાઈન બોલીને સમજાવવામાં આવે છે. તેમાં ‘રઘુપતિ રાઘવ રાજા રામ’ અથવા ‘એ મેરે વતન કે લોગોં’ જેવી ધૂનનો સમાવેશ કરવામાં આવે છે, જે લગભગ મોટાભાગના ભારતીયો જાણે છે અને તેમને સાંભળી હોય છે.
હાલ ક્યાં સુધી પહોંચી છે પ્રક્રિયા?
હાલમાં IIT દિલ્હી અને AIIMS દિલ્હી સંયુક્ત રીતે દર્દીઓ પર રિસર્ચ કરી રહ્યું છે અને તેનું મોડ્યુલ તૈયાર કરવામાં વ્યસ્ત છે. પ્રોફેસર દીપ્તિએ કહ્યું કે, એક ડૉક્ટર છે જે કર્ણાટિક સંગીતના જાણકાર પણ છે જે સંગીતને સારી રીતે જાણે છે. તેમની સાથે મળીને કેટલીક ધૂન શોધવામાં આવી રહી છે જેના પર પછીથી કામ કરી શકાય છે.
બ્રેઈન સ્ટ્રોક અફેસીયાથી પીડિત 60 દર્દીઓ પર એક અભ્યાસ હાથ ધરવામાં આવશે, જેમાં પ્રથમ 30 દર્દીઓને મ્યુઝિક થેરાપી આપવામાં આવશે અને બાકીના 30 દર્દીઓને સ્ટાન્ડર્ડ ટ્રીટમેન્ટ આપવામાં આવશે. આ પછી દર 3 મહિને તેમાં થતા ફેરફારોની નોંધ લેવામાં આવશે અને પરિણામો રજૂ કરવામાં આવશે.