હાઈપરટેન્શન : લોકો કેમ ઈલાજ કરાવતા નથી !!
હાઈપરટેન્શન એક એવી બીમારી છે જે એક સાયલન્ટ કિલર જેવી છે. સંશોધન મુજબ ગત 30 વર્ષમાં હાઈપરટેન્શનવાળા અડધાથી વધુ લોકો તેનો ઈલાજ નથી કરાવતા જે ગમે ત્યારે તેના માટે ખતરો બની શકે છે. હાઈ બ્લડ પ્રેશર એક એવી સમસ્યા છે જે સામાન્ય છે અને ઘણી જ સરળતાથી ઠીક થઈ શકે છે. પરંતુ જો તમને ખ્યાલ ના આવે અને કંટ્રોલમાં નહી રાખો તો તેનું પરિણામ ગંભીર આવી શકે છે. તેના કારણે સ્ટ્રોક, હાર્ટ અને કિડનીથી જોડાયેલી ગંભીર બીમારીઓ થવાનું જોખમ પણ વધી જાય છે.
આ વૈશ્વિક સંશોધનમાં ગત દશકમાં 184 દેશના 10 કરોડથી પણ વધુ લોકોના બ્લડ પ્રેશરના માપને જોવામાં આવ્યું છે સંશોધનમાં સામે આવ્યું છે કે દુનિયામાં હાઈપર ટેન્શનવાળા અંદાજિત અડધા લોકો પોતાની આ સ્થિતિથી અજાણ છે. હાઈપરટેન્શનવાળા મોટા ભાગના લોકો પોતાનો ઈલાજ જ નથી કરાવતા. ઓછી અને મધ્યમ આવકવાળા દેશમાં તેનું નુકસાન વધુ જોવા મળે છે.
એક સંશોધનમાં સામે આવ્યું છે કે ઉંચા અને મધ્ય આવકવાળા દેશમાં હાઈપરટેન્શનને લઈ સતર્કતા જોવા મળી છે અને સમય રહેતાં તેનો ઈલાજ પણ કરાવી લે છે. દુનિયાભરમાં હાઈપરટેન્શનની સાથે રહેનારા લોકોની સંખ્યા ગત 30 વર્ષમાં બેગણી થઈ ગઈ છે. બ્લડ પ્રેશર વધી જાય તો તેને હાઈપરટેન્શન કહેવામાં આવે છે. આ સ્થિતિમાં હદય અને ધમનીયો પર વધુ દબાણ પડે છે તેના કારણે હાર્ટ એટેક અને સ્ટ્રોક પણ આવે છે. અતિશય માથાનો દુ:ખાવો, વધુ થાક, મિતભ્રમ, આંખોની મુશ્કેલી અને છાતીમાં દુ:ખાવો તેના સામાન્ય લક્ષણો છે.
જો તમે 65 વર્ષથી વધુની ઉંમરના છો. તમારુ વજન વધુ છે. તમે એક્સરસાઈઝ ઓછી કરો છો અને પરિવારમાં પહેલાથી કોઈને હાઈબ્લડ પ્રેશરની સમસ્યા છે તો તમારામાં હાઈપરટેન્શનનું જોખમ વધે છે. એક્સરસાઈઝ, યોગ્ય ખાનપાન અને વજન ઘટાડીને આ જોખમને ઓછુ કરી શકાય છે.