બાળકોને ખાંસી આવે છે ? તો દવાઓ કરતા પણ વધારે અસરકારક છે મધ
ચોમાસામાં ઘણી વખત સીઝન બદલાતી રહેતી હોવાથી શરદીનું પ્રમાણ વધુ જોવા મળે છે અને તેમાં પણ બાળકોને જલ્દી અસર જોવા મળે છે. આવા સંજોગોમાં બાળકોને દવાઓ ઓછી આપી ઘરેલુ નુસખાઓથી ઇલાજ કરવો જોઇએ. કારણ કે, ખાંસીના ઘરેલુ ઉપાયથી કોઇ નુકસાન નથી થતું.
જો તમારાં બાળકને વરસાદી સિઝનમાં વારંવાર ખાંસીની પરેશાની રહે છે તો મધનો ઉપયોગ કરી શકાય છે. રિસર્ચ અનુસાર, મધ આપવાથી બાળકની ખાંસી ઠીક થઇ જાય છે.
શું કહે છે રિસર્ચ?
એક રિસર્ચમાં સામે આવ્યું છે કે, ખાંસીની ગંભીરતાને ઘટાડવા અને બાળકને યોગ્ય ઉંઘ અપાવવામાં હની ફ્લેવર્જ ડેક્સટ્રોમેથોરફન જેટલું જ મધ અસરદાર ગણાય છે. મધમાં એન્ટીઓક્સિડન્ટ અને એન્ટીમાઇક્રોબિયલ ગુણો રહેલા છે.
કેવી રીતે આપશો મધ?
Healthychildren.org અનુસાર, એક વર્ષથી વધુ ઉંમરના બાળકને 2થી 5 મિલીલીટર મધ આપી શકાય છે. મધ મ્યૂકસને પાતળું કરીને ખાંસીને મંદ કરવાનું કામ કરે છે. જો તમારી પાસે શુદ્ધ મધ નથી તો કોર્ન સિરપ પણ આપી શકો છો.
Healthychildren.org દ્વારા પ્રકાશિત એક લેખ અનુસાર, માર્કેટમાં મળતા કફ સિરપથી વધુ અસરદાર મધ હોય છે. ખાસ કરીને બાળકોને રાત્રી દરમિયાન થતી ગંભીર ખાંસીનો પણ ઇલાજ કરી શકે છે.
મધ આપવાની રીત
એક વર્ષથી વધુ ઉંમરના બાળકોને રાત્રે સૂતા અગાઉ 2.5 મિલી મધનો સિંગલ ડોઝ આપી શકાય છે. જેનો અર્થ એ છે કે, એક વર્ષથી વધુ ઉંમરના બાળકને અડધી ચમચીથી એક ચમચી મધ આપી શકાય છે.
દવાથી વધુ અસરદાર
માયોક્લિનિક અનુસાર, 1થી 5 વર્ષના ઉપરી શ્વસન માર્ગમાં ઇન્ફેક્શનથી ગ્રસ્ત બાળકોને રાત્રે સૂતા પહેલાં 2 ચમચી મધ આપી શકાય છે. એક રિસર્ચમાં જે બાળકોને બે ચમચી મધ આપવામાં આવ્યું તેઓમાં ખાંસીનું પ્રમાણ ઘટી ગયું અને પુરતી ઉંઘ આવી. એટલું જ નહીં, આ રિસર્ચમાં મધને ખાંસીની દવા જેટલું જ અસરદાર ગણાવ્યું છે. જો કે, એક વર્ષથી ઓછી ઉંમરના બાળકોને મધ ના આપવું જોઇએ.
