અરિજિત સિંહને શું થયું ? શા કારણે કોન્સર્ટ મુલતવી રાખી ફેંસની માફી માંગી
બોલિવૂડના ફેમસ સિંગર અરિજીત સિંહે પોતાના સુરીલા અવાજથી દરેકને પોતાના ફેન બનાવી લીધા છે. અરિજિત સિંહ દેશભરમાં લાઈવ કોન્સર્ટ પણ કરતો રહે છે. તે અવારનવાર વિદેશમાં પણ શોમાં જાય છે. તે ઓગસ્ટમાં લાઈવ કોન્સર્ટ માટે યુકે પણ જવાનો હતો પરંતુ હવે તેનો યુકે પ્રવાસ મોકૂફ રાખવામાં આવ્યો છે.
અરિજીત સિંહે 11મી ઓગસ્ટથી શરૂ થનારી તેની યુકે ટૂરનો શો મોકૂફ રાખ્યો છે. ‘તબીબી સ્થિતિ’ને તેના નિર્ણયનું કારણ ગણાવીને તેણે આ માટે ચાહકોની માફી પણ માંગી હતી.
તબીબી સ્થિતિને કારણે અરિજિતે યુકેનો પ્રવાસ સ્થગિત કર્યો
પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ દ્વારા ચાહકોને માહિતી આપતાં અરિજિતે નોટમાં લખ્યું, ‘પ્રિય ચાહકો, મને જણાવતા ખૂબ જ દુઃખ થાય છે કે અચાનક મેડિકલ પરિસ્થિતિએ મને ઓગસ્ટના કોન્સર્ટ મોકૂફ રાખવાની ફરજ પડી છે. હું જાણું છું કે તમે આ શોની કેટલી ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા હતા, અને હું તમને નિરાશ કરવા બદલ માફી માંગુ છું.
અરિજિતે તેની નોંધમાં જણાવ્યું નથી કે તેની ‘તબીબી સ્થિતિ’ શું છે. પરંતુ તેણે આગળ લખ્યું, ‘તમારો પ્રેમ અને સમર્થન મારી તાકાત છે. ચાલો આ વિરામને વધુ જાદુઈ રીયુનીયનના વચનમાં ફેરવીએ. અરિજીતના કોન્સર્ટની નવી તારીખો છેઃ 15 સપ્ટેમ્બર (લંડન), 16 સપ્ટેમ્બર (બર્મિંગહામ), 19 સપ્ટેમ્બર (રોટરડેમ) અને 22 સપ્ટેમ્બર (માન્ચેસ્ટર). અગાઉના સમયપત્રક મુજબ ખરીદેલી ટિકિટો જ માન્ય રહેશે.
પોતાની નોંધ પૂરી કરતાં અરિજિતે લખ્યું, ‘તમારી સમજણ, ધૈર્ય અને ક્યારેય ન સમાપ્ત થતા પ્રેમ માટે આભાર. હું તમારા બધા સાથે અવિસ્મરણીય યાદો બનાવવા માટે આતુર છું. દિલથી ક્ષમાયાચના અને ખૂબ આભાર સાથે, અરિજિત સિંહ.
ચાહકોએ અરિજીત માટે પ્રાર્થનાઓ માંગી હતી
અરિજીતની પોસ્ટ પર, તેના ચાહકો તેના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરવા લાગ્યા. ઘણા ચાહકોએ તેને ‘જલ્દી સાજા થવા’ કહ્યું હતું. એક યુઝરે લખ્યું, ‘તમે જલ્દી સાજા થઈ જાવ. અમે બધા 11 થી તમારા કોન્સર્ટ માટે ખૂબ જ ઉત્સાહિત હતા, પરંતુ તેમ છતાં તમારું સ્વાસ્થ્ય અમારા માટે વધુ મહત્વપૂર્ણ છે. અમે દરેક ક્ષણે, દરેક સમયે, દરેક પરિસ્થિતિમાં તમારી સાથે છીએ.