વિક્રમ ભટ્ટના ડાયરેક્શનમાં બનેલી “બ્લડી ઈશ્ક”નું ટ્રેલર રિલીઝ
સૂમસામ આઇલેન્ડ, એક હવેલી, ફિલ્મ જોઈને કાળજું કંપી જશે
થિયેટર સાથો સાથ ઓટીટી પર પણ હોરર ફિલ્મો અને સિરિઝને લઈને દર્શકોની દિલચસ્પી સમય સાથે વધી ગઈ છે. બોલીવુડમાં પોતાની હોરર ફિલ્મો સાથે ધૂમ મચાવનાર ભટ્ટ બ્રધર્સ ફરી એકવાર સાથે આવી ગયા છે. વિક્રમ ભટ્ટના ડાયરેક્શનમાં બની “બ્લડી ઈશ્ક”નું ટ્રેલર મંગળવારે રિલીઝ થઈ ગયું છે. અવિકા ગૌર અને વર્ધન પૂરી સ્ટારર આ ફિલ્મના 78 સેકન્ડના ટ્રેલરમાં તે બધુ જ છે જે હોરર ફિલ્મોના ચાહકોમાં ઉત્સાહ ઉત્પન્ન કરશે.
અવિકા ગૌર ટેલિવિઝનમાં બાલિકા વધુ બનીને ચર્ચામાં આવી હતી. આ સમયે તેની ઉંમર 11 વર્ષની હતી. ભટ્ટ કેમ્પ સાથે અવિકાની આ બીજી ફિલ્મ છે. તે આ પહેલા “1920:હોરર્સ ઓફ ધ હાર્ટ”માં પણ લીડ એક્ટ્રેસના રૂપમાં નજર આવી હતી. છેલ્લા કેટલાક દિવસોમાં ફિલ્મ “બ્લડી ઈશ્ક” એટલા માટે પણ ચર્ચામાં આવી હતી કારણ કે આ ફિલ્મમાં અવિકાએ ઇન્ટિમેન્ટ સીન આપ્યા છે.
“બ્લડી ઈશ્ક”ના ટ્રેલરની શરૂઆત એક સૂમસામ આઇલેન્ડ અને તેના પર આવેલી એક હવેલીથી થાય છે. અવિકાનો અવાજ સંભળાય છે, જ્યાં તે વર્ધનને પૂછે છે કે, આ આઇલેન્ડ પર બીજું કોણ રહે છે? વર્ધન જવાબ આપે છે કે, કોઈ નહી. આ પછી હવેલીમાં કેટલીક અજીબ ઘટનાઓ ઘટતી જોવા મળે છે. એવું લાગે છે કે આ હવેલીમાં બીજું પણ કોઈક છે.
વિક્રમ ભટ્ટના ડાયરેક્શનમાં બનેલી “બ્લડી ઈશ્ક”ની વાર્તા મહેશ ભટ્ટે લખી છે. આ ફિલ્મ સીધી ઓટીટી પર રિલીઝ થવાની છે. નિર્માતાએ ટ્રેલર સાથે રિલિઝની તારીખ પણ જાહેર કરી દીધી છે. “બ્લડી ઈશ્ક” 26 જુલાઇએ ઓટીટી પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટ સ્ટાર પર સ્ટ્રીમ થશે.