થ્રિલર સિરીઝ‘મર્ડર ઈન માહિમ’નું ટ્રેલર થયું રિલીઝ
એક ખૂબ જાણીતા પુસ્તક પર બનેલી વેબ સિરીઝ ‘મર્ડર ઇન માહિમ’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. જેમાં આશુતોષ રાણા અને વિજય રાજ જોવા મળશે. ટ્રેલર જોઈને દર્શકો ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા છે.
આશુતોષ રાણા અને વિજય રાજની નવી વેબ સિરીઝ ‘મર્ડર ઇન માહિમ’ દર્શકોનું મનોરંજન કરવા માટે તૈયાર છે. આ સિરીઝ તા.૧૦મી મેના રોજ જીયો સિનેમા પર રિલીઝ થવાની છે. નિર્માતાઓએ આ થ્રિલર સિરીઝનું ટ્રેલર જાહેર કરી દીધું છે. ટ્રેલરમાં એક ભયાનક રહસ્યમય હત્યા અને મુંબઈ શહેરની આંતરિક પરિસ્થિતિઓની તપાસ દેખાડવામાં આવી છે.
આ થ્રિલર સિરીઝ લેખક જેરી પીંટોના પુસ્તક પર આધારિત છે. જ્યારે આ સિરીઝ ટીપિંગ પ્વાઈંટ ફિલ્મ્સ અને જિગ્સ પિક્ચર્સે બનાવી છે. જીયો સિનેમાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સિરીઝનું ટ્રેલર રિલીઝ કરીને કેપ્શનમાં લખ્યું હતું કે, ‘મર્ડર, હેટ, જૂઠ, માહિમની શેરીઓનું રહસ્ય. શું તમે હકીકત જાણવા તૈયાર છો?’
આ સિરીઝના ટ્રેલરમાં ધારા ૩૭૭નો વિરોધ થતો જોવા મળે છે. પછી એક હત્યા થાય છે અને વાર્તા એક અલગ વળાંક લે છે. તો વળી આ સિરીઝમાં ૨૦૧૩ની એક ઘટનાને પણ દેખાડવામાં આવી છે. આ ઉપરાંત વધુ શું નવું જોવા મળશે? તે માટે તમારે ૧૦મી મેની રાહ જોવી પડશે. આશુતોષ રાણા ક્રાઇમ જર્નાલિસ્ટના પાત્રમાં જોવા મળશે તો વિજય રાજ એક પોલીસ ઓફિસરની ભૂમિકા ભજવી રહ્યા છે.