Kalki 2898 AD ફિલ્મ વિશ્વભરમાં છવાઈ : જવાન અને પઠાણ જેવી ફિલ્મોને પાછળ છોડી કરી અધધ કરોડની કમાઈ
અમિતાભ બચ્ચન, પ્રભાસ, કમલ હાસન અને દીપિકા પાદુકોણ સ્ટારર ફિલ્મ ‘કલ્કિ 2898 એડી’ રિલીઝ થઈ ગઈ છે. સાયન્સ ફિક્શન માઈથોડ્રામા આ ફિલ્મની લેન્થ 3 કલાક છે. ત્યારે વાત કરીએ આ મુવીએ કેટલી પ્રસિદ્ધિ મેળવી તો ‘કલ્કિ 2898 એડી’એ માત્ર ભારતમાં જ નહિ વિશ્વભરમાં છવાઈ ગઈ છે. પ્રભાસ, દીપિકા પાદુકોણ, અમિતાભ બચ્ચન અને કમલ હાસન અભિનીત ફિલ્મ ‘કલ્કી 2898 એડી’ 27 જૂને રિલીઝ થઈ છે. આ ફિલ્મને ક્રિટિક્સ તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. દર્શકોને પણ ફિલ્મ પસંદ આવી છે. ફિલ્મે શરૂઆતના દિવસે શાનદાર કમાણી કરી છે.. આ ફિલ્મે ઓપનિંગ ડે પર જ ઘણા રેકોર્ડ બનાવ્યા છે.
‘કલ્કી 2898 એડી’ નાગ અશ્વિન દ્વારા દિગ્દર્શિત સાયન્સ-ફિક્શન ડિસ્ટોપિયન ફિલ્મ છે. આ ફિલ્મ તેલુગુ, હિન્દી, તમિલ, મલયાલમ અને કન્નડ ભાષાઓમાં રિલીઝ થઈ છે અને દરેક જગ્યાએ શાનદાર ઓપનિંગ મેળવી છે. અત્યાર સુધી સામે આવેલા આંકડાઓ અનુસાર, આ ફિલ્મે ઘરેલુ બોક્સ ઓફિસ પર પ્રથમ દિવસે 92 કરોડ રૂપિયાની ઓપનિંગ કમાણી કરી લીધી છે. તે જ સમયે, આ ફિલ્મને જોવા માટે વિદેશોમાં પણ મોટી સંખ્યામાં દર્શકો આવ્યા છે.
વૈજયંતિ મૂવીઝે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી છે અને ફિલ્મના વિશ્વવ્યાપી કલેક્શન વિશે માહિતી આપી છે. આ હિસાબે આ ફિલ્મે પ્રથમ દિવસે વિશ્વભરમાં 191.5 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. તેની સાથે લખ્યું છે, ‘𝐋𝐞𝐭’𝐬 𝐂𝐞𝐥𝐞𝐛𝐫𝐚𝐭𝐞 𝐂𝐢𝐧𝐞𝐦𝐚…’. આ સાથે, ‘કલ્કી 2898 એડી’ ત્રીજા સ્થાનેથી ‘KGF: ચેપ્ટર 2’ ને પાછળ છોડી દીધી છે. KGF 2 એ તેના શરૂઆતના દિવસે વિશ્વભરમાં લગભગ રૂ. 159 કરોડની કમાણી કરી હતી.
ગયા વર્ષની ટોચની ફિલ્મોમાં ‘જવાન’એ લગભગ 129 કરોડ રૂપિયાની કમાણી કરી હતી, ‘પઠાણ’એ 105 કરોડ રૂપિયા અને ‘એનિમલ’એ પહેલા દિવસે લગભગ 116 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ વર્ષે ‘કલ્કી 2898 એડી’એ પહેલા જ દિવસે ઓપનિંગ ડેની કમાણીના મામલામાં આ બધી ફિલ્મોને પાછળ છોડી દીધી છે.