“કુસ્તી મારી સામે જીતી ગઈ,મારા સપનાં હિંમત બધું જ તૂટી ગયું “
હતાશ વીનેશ ફોગટની કુસ્તીમાંથી નિવૃત્તિ
ઓલિમ્પિક સ્પર્ધામાં સુવર્ણપદક મેળવવાની અણીએ પહોંચીને 100 ગ્રામ વજન વધવાને કારણે ગેરલાયક થઈ ગયેલી વિનેશ ફોગટે કુસ્તીમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી.
ગુરુવારે વહેલી સવારે X ઉપર ભારતની આ દીકરીએ લખ્યું, ” મા, કુસ્તી મારી સામે જીતી ગઈ, હું હારી ગઈ. માફ કરજો, મારા સપના મારી હિંમત બધું તૂટી ગયું છે. હવે વધારે તાકાત નથી રહી. અલવિદા કુસ્તી 2001-2024. આપ બધાની સદા ઋણી રહીશ”.
બીજી તરફ વિનેશે કોર્ટ ઓફ આર્બીટ્રેશન ઓફ સ્પોર્ટ સમક્ષ સંયુક્તપણે રજત ચંદ્રક આપવા માટે માંગણી કરી હતી. નોંધનીય છે કે સ્પર્ધામાંથી ફેકાઈ ગયા બાદ વિનેશ ફોગટની તબિયત બગડતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. એ સમયે તેણે કોચને કહ્યું હતું કે નસીબ ખરાબ હોવાને કારણે આપણે મેડલ ચૂકી ગયા પણ આ બધું રમતનો હિસ્સો છે.
વિનેશ ફોગટ સાથે બનેલી આ ઘટનાને કારણે આખો દેશ આઘાતમાં સરી ગયો હતો. લાખો લોકોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દુઃખ અને આઘાતની લાગણી સાથે જ વિનેશ પ્રત્યે સહાનુભૂતિ પ્રગટ કરી હતી. ખુદ વડાપ્રધાન મોદીએ પણ ટ્વિટ કરીને સંવેદના વ્યક્ત કરી હતી.
બીજી તરફ ષડયંત્રના આક્ષેપો સાથે રાજકારણ ગરમાયું
વિનેશ ફોગટ મુદ્દે રાજકારણ ધગધગવા લાગ્યું છે. લોકસભામાં ખેલ મંત્રી મનસુખ માંડવીયાએ વિનેશ ફોગટ પાછળ સરકારે કરેલા ખર્ચનો હિસાબ આપતા નારાજ થયેલા ઇન્ડિયા બ્લોકના સાંસદોએ વોકઆઉટ કર્યો હતો. કોંગ્રેસના સંસદ પ્રમોદ તિવારીએ કહ્યું કે અમે આ મુદ્દે સંસદમાં ચર્ચા કરવા માગતા હતા પણ શાસકો તેના માટે તૈયાર નથી. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા સુરેન્દ્રનગર રાજપૂતે એવો પ્રશ્ન કર્યો હતો કે વિનેશ ફોગટ સાથે તેના કોચ હતા, મેડિકલ ઓફિસર હતા, ડાયેટિશ્યન હતા તો પછી વજન વધી કઈ રીતે ગયું?
સાંસદ શશી થરૂરે પણ X ઉપર લખ્યું,” આ છોકરી સિસ્ટમ સામે લડીને થાકી ગઈ છે. લડતાં લડતાં થાકી ગઈ છે આ છોકરી”.
હરિયાણા સરકારની મહત્વની જાહેરાત
હરિયાણા સરકાર વિનેશ ફોગટ નું રજત ચંદ્રક વિજેતા તરીકે જ સન્માન કરશે. મુખ્યમંત્રી નાયબ સૈનિક કહ્યું કે હરિયાણાની દીકરી ભલે ફાઇનલમાં ન રમી શકે પણ અમારા માટે તો એ ચેમ્પિયન જ છે. હરિયાણા સરકાર તેનું રજતચંદ્રક વિજેતા તરીકે જ સ્વાગત સન્માન કરશે અને એ મુજબ જ ઇનામ અને સુવિધાઓ આપવામાં આવશે તેવી તેમણે ઘોષણા કરી હતી.