વાહ મોસાદ વાહ…છેક 60 વર્ષ બાદ પોતાના જાસુસની સીરિયામાં રહેલી વસ્તુઓ ગુપ્ત ઓપરેશન દ્વારા પરત લાવ્યા
ઇઝરાયેલની ખ્યાતનામ જાસુસી સંસ્થા મોસાદે તાજેતરમાં એક એવું અદભુત ગુપ્ત ઓપરેશન પાર પાડ્યું કે સમગ્ર વિશ્વ બંધ રહી ગયું છે. 1965 માં સીરિયામાં પકડાયેલા અને ફાંસીએ લટકાવી દેવાયેલા ઇઝરાયેલના મહાન જાસૂસ એલી કોહેનનીહજારો ચીજ વસ્તુઓ સીરિયામાં કડક સુરક્ષા બંદોબસ્ત હેઠળ સાચવવામાં આવેલી હતી. ઇઝરાયેલે છેક 60 વર્ષ બાદ એક ઓપરેશન પાર પાડી એ બધી વસ્તુઓ હસ્તગત કરી અને રવિવારે એ ઘટનાની 60 મી વરસીએ એલી કોહેનની વિધવાને સુપ્રત કરી હતી. ઇઝરાયેલ એ હસ્તગત કરી લીધેલી હજારો વસ્તુઓમાંથી આશરે 2500 વસ્તુઓનું જાહેર પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું.એ પ્રસંગે ઇઝરાયેલ ના વડાપ્રધાન નેતનયાહુ એ કહ્યું કે,”એલી એક ઇઝરાયેલી દંતકથા છે. તેઓ ઇઝરાયેલી ગુપ્તચર એજન્સીના સૌથી મહાન એજન્ટ હતા. તેમના જેવું કોઈ નહોતું.” તેમણે એલી કોહેનના મૃતદેહનું લોકેશન શોધી મૃતદેહ પણ પરત લાવવાનો દ્રઢ નિર્ધાર જાહેર કર્યો હતો.

સીરિયામાં કોહેનની સફળતા મોસાદ જાસૂસી એજન્સીની પ્રથમ મોટી સિદ્ધિઓમાંની એક હતી, અને તેમણે મેળવેલી અત્યંત ગુપ્ત માહિતીએ 1967ના મધ્ય પૂર્વ યુદ્ધમાં ઇઝરાયેલની ઝડપી જીત માટે તૈયારી કરવામાં મદદ કરી હતી. 1965માં, કોહેન ઇઝરાયેલને માહિતી રેડિયો કરતા પકડાયા હતા. તેમની સામે કેસ ચલાવવામાં આવ્યો અને 18 મે, 1965ના રોજ દમાસ્કસના ચોકમાં તેમને ફાંસી આપવામાં આવી. તેમના અવશેષો હજુ સુધી ઇઝરાયેલમાં પરત લાવવામાં આવ્યા નથી. જ્યાં તેમને રાષ્ટ્રીય નાયક તરીકે ગણવામાં આવે છે.

ઇઝરાયેલ હજારો વસ્તુઓ “તફડાવી” ગયું અને સીરિયાને ગંધ પણ ન આવી
ઇઝરાયેલમાં લાવવામાં આવેલી વસ્તુઓમાં દસ્તાવેજો, રેકોિંર્ડગ્સ, ફોટોગ્રાફ્સ અને જાન્યુઆરી 1965માં તેમની ધરપકડ બાદ સીરિયન ગુપ્તચર એજન્સી દ્વારા એકત્રિત કરાયેલી વસ્તુઓ, તેમના હસ્તાક્ષરમાં ઇઝરાયેલમાં તેમના પરિવારને લખેલા પત્રો, સીરિયામાં તેમની ઓપરેશનલ મિશન દરમિયાનની તસવીરો અને તેમની ધરપકડ બાદ તેમના ઘરમાંથી લેવાયેલી વ્યક્તિગત વસ્તુઓનો સમાવેશ થાય છે. એ ઉપરાંત જૂના ફોલ્ડર્સમાં હસ્તલિખિત નોંધો, દમાસ્કસમાં તેમના એપાર્ટમેન્ટની ચાવીઓ, પાસપોર્ટ અને નકલી ઓળખ દસ્તાવેજો, ચોક્કસ લોકો અને સ્થળોની દેખરેખ રાખવાના મોસાદના મિશન અને તેમની પત્ની નાદિયા કોહેન દ્વારા તેમની જેલમાંથી મુક્તિ માટે વિશ્વના નેતાઓને વિનંતી કરતા તમામ પ્રયાસોના દસ્તાવેજોનો પણ સમાવેશ થાય છે.
એલી કોહેન
દેશભક્તિ અને બલિદાનની ભવ્ય ગાથા
એલિયાહુ બેન-શૌલ કોહેન ઉર્ફે એલી કોહેન જાસુસી વિશ્વમાં દંતકથારૂપ બની ગયા છે.સીરિયામાં જઇને એમણે કરેલા પરાક્રમોની વીરગાથાઓ ઇઝરાયેલના લોકજીવનમાં અમર બની ગઈ છે. ઇઝરાયેલના લોકો તેમના એ બહાદુર સપૂતને રાષ્ટ્રીય નાયક તરીકે પૂજે છે ઈઝરાયેલમાં એલી કોહેનને ખૂબ ગૌરવભેર “અમારો માણસ દમાસ્કસમાં” તરીકે ઓળખવામાં આવે ઇઝરાયેલના આ મહાન જાસૂસના જીવન પરથી અનેક પુસ્તકો પ્રસિદ્ધ થયા છે, ડોક્યુમેન્ટ્રીઓ બની છે. 2019માં એલી કોહેન પર બનેલી નેટફ્લિક્સની સિરીઝ “ધ સ્પાય” અત્યંત લોકપ્રીય બની હતી.
મોસાદે નવું નામ આપી સીરિયા મોકલ્યા અને બની ગયા રક્ષા મંત્રીના સલાહકાર !
એલી કોહેનના આકર્ષક વ્યક્તિત્વ,અરબી ભાષાની નિપુણતા અને સીરિયન સંસ્કૃતિની સમજ નિહાળી મોસાદે તેમને સીરિયામાં જવાબદારી સોંપવાનું નક્કી કર્યું. મોસાદે એલીને સીરિયન મૂળના સમૃદ્ધ વેપારી કામેલ અમીન થાબેટ તરીકે પ્રોજેક્ટ કર્યા. આ ઓળખ હેઠળ, તેમણે 1961માં બ્યુનોસ આયર્સમાં અરબ સમુદાયમાં પ્રવેશ કર્યો અને ત્યાંથી પછી સીરિયન સમાજમાં સ્થાન મેળવ્યું. 1962માં એલી “કામેલ થાબેટ” તરીકે દમાસ્કસ (સીરિયા) પહોંચ્યા. તેમણે દાનવૃતિ ઉદારતા અને આકર્ષક વ્યક્તિત્વના બળે ઝડપથી સીરિયન ઉચ્ચ વર્ગમાં પ્રવેશ મેળવ્યો.તેમનો જાદુ એવો પથરાયો કે ખૂબ ટુંકા ગાળામાં તેઓ સીરિયન રાજકારણીઓ, સૈન્ય અધિકારીઓ અને પ્રભાવશાળી વ્યક્તિઓ સાથે ગાઢ સંબંધો બનાવવામાં સફળ રહ્યા. એલીએ સીરિયન સરકારમાં એ હદે ઘૂસ મારી કે તેઓ સીરીયાના રક્ષા મંત્રીના સલાહકાર બની ગયા. અને ત્યારબાદ તમામ ગોપનીય માહિતીઓ તેમને હાથવગી થવા લાગી.ત્યાં સુધી કે સીરીયલ સેનાની રણનીતિમાં પણ તેમનો અભિપ્રાય મહત્વનો માનવામાં આવતો હતો.
એલી એ આપેલી માહિતીઓ એ ઈઝરાયેલને અપાવ્યો યુદ્ધમાં વિજય
એલીએ સીરિયાના ગોલાન હાઇટ્સમાં સ્થિત સૈન્ય મથકોની વિગતો એકઠી કરી. તેમણે સીરિયન સૈન્યના બંકરો, હથિયારોના ભંડારો અને રણનીતિક સ્થાનોના નકશા ઇઝરાયેલને પૂરા પાડ્યા જેનો ઇઝરાયેલે 1967ના યુદ્ધમાં ઉપયોગ કર્યો અને વિજય મેળવ્યો. એલીએ સીરિયન સરકાર અને સૈન્યની આંતરિક ગતિવિધિઓ, નીતિઓ અને યોજનાઓ વિશે માહિતી મેળવી. તેમણે સીરિયન નેતાઓની નબળાઈઓ અને વ્યક્તિગત જીવનની વિગતો પણ એકઠી કરી જે ઇઝરાયેલ માટે રણનીતિક રીતે ઉપયોગી હતી. ગોલન હાઈટ્સમાં સીરીયન બંકરો અને સૈન્ય ઠેકાણાઓ નજીક સૈનિકોને ગરમી ન લાગે એ માટે ટેલી કોહેને વૃક્ષો વાવવાનું સૂચન કર્યું હતું. સીરિયાએ તેમના સૂચન પરથી ત્યાં વૃક્ષો વાવ્યા હતા અને પછી એ વૃક્ષો જ એ ઠેકાણાઓ ની ઓળખ બની ગયા અને ઇઝરાયેલ એ ત્યાં સફળતાપૂર્વક હુમલો કર્યો હતો.

ફાંસી પહેલા પત્નીને લખેલા આખરી પત્રમાં કહ્યું,”દેશ માટે મર્યો છું, કોઈ અફસોસ નથી”
એલી કોહેને 18 મે, 1965ના રોજ ફાંસીના થોડા કલાકો પત્ની નાદિયાને લખેલા પત્રમાં પરિવાર પ્રત્યેનો ઊંડો પ્રેમ, ઇઝરાયેલ પ્રત્યેની નિષ્ઠા, અને બલિદાનનો કોઈ અફસોસ ન હોવાની ભાવના વ્યક્ત કરી હતી. એલીએ નાદિયાને લખ્યું હતું કે તે તેની સાથે વિતાવેલી દરેક ક્ષણને યાદ કરે છે અને તેના પ્રેમ માટે હંમેશાં આભારી રહેશે. તેમણે નાદિયાને મજબૂત રહેવા અને તેમના બાળકો સોફી, ઇરિટ, અને શૌલનું સારી રીતે ધ્યાન રાખવા વિનંતી કરી હતી. એલીએ તેમના બાળકો માટે ખાસ સંદેશ લખ્યો હતો, જેમાં તેમણે ઇચ્છા વ્યક્ત કરી હતી કે તેમના બાળકો યહૂદી પરંપરાઓ અને ઇઝરાયેલના મૂલ્યો સાથે ઉછરે. તેમણે નાદિયાને બાળકોને તેમના પિતાની બહાદુરી અને રાષ્ટ્ર પ્રત્યેની નિષ્ઠાની વાતો કહેવા જણાવ્યું હતું. પત્રમાં એલીએ સ્પષ્ટ કર્યું હતું કે તેમને તેમના મિશન અથવા બલિદાનનો કોઈ પસ્તાવો નથી. તેમણે લખ્યું હતું કે તેમનું જીવન ઇઝરાયેલની સુરક્ષા અને યહૂદી લોકોના ભવિષ્ય માટે સમર્પિત હતું. “મેં મારી ફરજ નિભાવી છે, અને મને તેનું ગૌરવ છે. ઇઝરાયેલ હંમેશાં મારા હૃદયમાં રહેશે.”

એલી કોહેનને સીરિયાએ જાહેરમાં ફાંસી આપી મૃતદેહ જાહેરમાં લટકાવ્યો
એલીની જાસૂસી પ્રવૃત્તિઓ 1964 સુધી અત્યંત સફળ રહી પરંતુ એ દરમિયાન તેઓ શંકાના દાયરામાં આવી ગયા હતા. 1964માં, તેમણે મોસાદને ખતરાની ચેતવણી આપી હતી, પરંતુ તેમની પ્રવૃત્તિઓ ચાલુ રાખવાનો આદેશ મળ્યો. કેટલીક ચોક્કસ ઘટનાઓ બાદ સીરીયલ ગુપ્તચર એજન્સીઓ એલી ઉપર નજર રાખી રહી હતી. આખરે સોવિયેત યુનિયનની સહાયથી સીરિયન એજન્સીને એલીના રેડિયો ટ્રાન્સમીટર સંદેશાઓ આંતરવામાં સફળતા મળી .1965માં તેમની ધરપકડ કરવામાં આવી. સીરિયાના સંરક્ષણ મંત્રીના સલાહકાર ખુદ ઇઝરાયેલના જાસુસ હતા એ પર્દાફાશ થતાં સિરિયા સ્તબ્ધ બની ગયું હતું.એલી કોહેનને 18 મે 1965ના રોજ દમાસ્કસના મરજેહ સ્ક્વેરમાં જાહેરમાં ફાંસી આપવામાં આવી હતી. આ ઘટનાનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું, અને હજારો લોકો આ ઘટનાના સાક્ષી બન્યા. એલીના મૃતદેહને કલાકો સુધી જાહેરમાં લટકાવી રાખવામાં આવ્યો હતો.એલીનું બલિદાન ઇઝરાયેલની ગુપ્તચર સેવાઓની ક્ષમતા અને નિષ્ઠાનું પ્રતીક બન્યું. તેમની માહિતીએ હજારો ઇઝરાયેલી સૈનિકોના જીવ બચાવ્યા. 1967ના સિક્સ ડે વોરમાં મળેલા ઇઝરાયેલના વિજય માટે એલી કોહેનને શ્રેય આપવામાં આવે છે.