World Tourism Day 2024: પ્રવાસન દિવસ નિમિત્તે જાણો વિશ્વના સૌથી સુંદર સ્થળો વિશે, તસવીરો જોઈને થઈ જશો મંત્રમુગ્ધ
વિશ્વ પ્રવાસન દિવસ દર વર્ષે 27 સપ્ટેમ્બરે વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. તેની ઉજવણી કરવાનો હેતુ પર્યટનના મહત્વ અને તેના સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય અને આર્થિક યોગદાન વિશે જાગૃતિ ફેલાવવાનો છે. પ્રવાસન માત્ર વિવિધ સંસ્કૃતિઓ અને સ્થળોને જોડતું નથી, પરંતુ તે વૈશ્વિક અર્થવ્યવસ્થાનો મુખ્ય ભાગ છે, ઘણા દેશો માટે આવક અને રોજગારનો એક મહત્વપૂર્ણ સ્ત્રોત છે. ત્યારે આપણે આજે વિશ્વ પ્રવાસન દિવસે દુનિયાની ખૂબસૂરત જગ્યાઓ વિશે જાણીશું .
વિશ્વ પ્રવાસન દિવસ નિમિત્તે વિશ્વભરમાં યુનેસ્કો દ્વારા જાહેર કરાયેલ ઐતિહાસિક ઇમારતો, ધાર્મિક સ્થળો અને વિશ્વ ધરોહર સ્થળો વિશે દરેકને જાગૃત કરવામાં આવે છે, જેથી પ્રવાસનને પ્રોત્સાહન મળી શકે. વાસ્તવમાં, વિશ્વની સાત અજાયબીઓની ગણતરી સૌથી પ્રખ્યાત અને સુંદર સ્થળોમાં કરી શકાય છે. પરંતુ આ સિવાય વિશ્વ આશ્ચર્યજનક અને આકર્ષક પ્રવાસન સ્થળોથી સમૃદ્ધ છે. વિશ્વ પ્રવાસન દિવસના અવસર પર, લોકો તેમની અદભૂત સુંદરતા માટે પ્રખ્યાત સૌથી સુંદર પર્યટન સ્થળો વિશે જાણી શકે છે. ચાલો જાણીએ એવા કેટલાક મુખ્ય સ્થળો વિશે જેની ગણતરી વિશ્વના સૌથી સુંદર પર્યટન સ્થળોમાં થાય છે:
આલ્પ્સ પર્વતમાળા, સ્વિટ્ઝર્લૅન્ડ

જો કે સ્વિટ્ઝર્લેન્ડની સુંદરતા વિશ્વ પ્રસિદ્ધ છે. સ્વિટ્ઝર્લેન્ડ એક એવી જગ્યા તરીકે પ્રખ્યાત છે જે શ્રેષ્ઠ હનીમૂન ડેસ્ટિનેશન બની શકે છે. તેને ફિલ્મોનો પ્રભાવ કહો કે સ્વિટ્ઝર્લૅન્ડના મોહક દૃશ્યો જે તેને વિશ્વમાં સૌથી સુંદર બનાવે છે. સ્વિટ્ઝર્લેન્ડની આલ્પ્સ પર્વતમાળા વિશ્વની સૌથી આકર્ષક જગ્યાઓમાંથી એક છે. બરફથી ઢંકાયેલ પર્વતો, લીલીછમ ખીણો અને ચમકતા સરોવરો અહીંના મુખ્ય આકર્ષણો છે. જર્મેટ, ઇન્ટરલેકન, લ્યુસર્ન અને જંગફ્રાઉ અહીંના મુખ્ય પ્રવાસન સ્થળો છે. સ્કીઇંગ, હાઇકિંગ અને પ્રાકૃતિક સૌંદર્ય માટે આ સ્થળને પ્રવાસીઓનું સ્વર્ગ માનવામાં આવે છે.
પેરિસ, ફ્રાન્સ

ફ્રેન્ચ શહેર પેરિસ તેની અકલ્પનીય સુંદરતા માટે પણ લોકપ્રિય છે. પેરિસને “લાઇટ્સનું શહેર” તરીકે ઓળખવામાં આવે છે અને તે તેની કલા, ફેશન અને ઐતિહાસિક વારસા માટે પ્રખ્યાત છે. મોટાભાગના પ્રવાસીઓ પેરિસની મુલાકાત લેવા જાય છે, જ્યાં એફિલ ટાવર, લૂવર મ્યુઝિયમ, નોટ્રે ડેમ કેથેડ્રલ અને ચેમ્પ્સ-એલિસીસ મુખ્ય આકર્ષણો છે. પેરિસ તેની ફેશન, કલા અને રોમાંસ માટે વિશ્વના સૌથી પ્રિય શહેરોમાંનું એક છે.
માલદીવ

માલદીવના ટાપુઓ તેમના સ્પષ્ટ વાદળી તરંગો અને સફેદ રેતીના દરિયાકિનારા માટે પ્રખ્યાત છે. જે લોકો દરિયાકિનારાની વચ્ચે રજાઓ ગાળવાના શોખીન છે તેઓ માલદીવને તેમની યાદીમાં ટોચ પર રાખી શકે છે. વૈભવી રિસોર્ટ્સ, અંડરસી વિલા અને કોરલ રીફ માલદીવના મુખ્ય આકર્ષણો છે. તે સ્કુબા ડાઇવિંગ, સ્નોર્કલિંગ અને વોટર સ્પોર્ટ્સ માટેનું મુખ્ય સ્થળ છે. સોશિયલ મીડિયા પર માલદીવની તસવીરો લોકોને આકર્ષે છે.
ગ્રાન્ડ કેન્યોન

યુનાઇટેડ સ્ટેટ્સમાં સ્થિત ગ્રાન્ડ કેન્યોન સૌથી સુંદર સ્થળોમાં ગણવામાં આવે છે. ગ્રાન્ડ કેન્યોન એક અનન્ય ભૂસ્તરશાસ્ત્રીય સ્થળ છે, જ્યાં વિશાળ ખીણો અને ખડકોની સુંદરતા તમને મંત્રમુગ્ધ કરે છે, ઉત્તર અને દક્ષિણ રિમ ગ્રાન્ડ કેન્યોનનાં મુખ્ય પ્રવાસન સ્થળો છે. આ સ્થળ સાહસ અને ફોટોગ્રાફી પ્રેમીઓ માટે એક મુખ્ય આકર્ષણ છે.
ક્યોટો

જાપાનની સુંદરતા તેની સંસ્કૃતિને વધારે છે. જાપાનના કુદરતી લેન્ડસ્કેપ્સ અને ઐતિહાસિક સ્થળો ખૂબ જ સુંદર લાગે છે. જાપાનનું ક્યોટો શહેર તેની સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વારસા માટે પ્રખ્યાત છે. ક્યોટો તેના પ્રાચીન મંદિરો, સુંદર બગીચાઓ અને પરંપરાગત જાપાનીઝ સંસ્કૃતિ માટે પ્રખ્યાત છે. ક્યોટોનું ફુશિમી ઈનારી તીર્થ, ક્યોટો ઈમ્પીરીયલ પેલેસ અને અરાશિયામા બામ્બુ ફોરેસ્ટ અહીંના મુખ્ય આકર્ષણો છે. આ સ્થળ જાપાની સંસ્કૃતિ, ચા સેરેમની અને ચેરી બ્લોસમ જોવા માટે મહત્વપૂર્ણ છે.