શું ભવિષ્યમાં બીટકોઈનનું માર્કેટ ભાંગી પડશે ?? બીટકોઈનમાં રોકાણ કરનારાના પૈસા સાવ ધોવાઈ જશે ?? વાંચો વિશેષ અહેવાલ
શેરબજારના ભવિષ્ય વિષે આગાહી કરવામાં તો ગુજરાતીઓ એક્કા થઇ ગયા છે પરંતુ બીટકોઈનના માર્કેટને શું થશે એ હજુ સમજાતું નથી. હવે તો બાળક પણ જાણે છે કે બીટકોઈન એટલે શું? પરંતુ સવાલ છે કે બીટકોઈન જો ક્રેશ થઇ જશે તો? બીટકોઈનમાં રોકાણ કરનારાના પૈસા સાવ ધોવાઈ જશે તો? આવા સવાલોના જવાબ મેળવવા માટે બીટકોઈનની આખી સીસ્ટમ જાણવી જરૂરી છે.
જેટલા વ્યક્તિઓ બીટકોઈન ધરાવે છે એ દરેક કમ્પ્યુટર દ્વારા એક સાંકળમાં રહે છે જેણે બ્લોચેઈન કહેવાય છે. દર કલાકે ચાર વખત બ્લોકચેઈન અપડેટ થાય જેને લેજર કહેવામાં આવે. બ્લોકચેઈનના નોડ્સ દરેક બીટકોઈન ટ્રાન્ઝેકશનને કન્ફર્મ કરે અને તેની માહિતી દરેક બીટકોઈનધારીના લેજરમાં એટલે કે ખાતાવહીમાં આવે. એનો અર્થ એ કે બ્લોકચેઈનમાં રહેલા દરેક સભ્ય પાસે દરેક લેવડદેવડનો લેટેસ્ટ હિસાબ હોય જ. હેકર વિઝાકાર્ડના ડેટાબેઝનું મેઈન સેન્ટર હેક કરીને ડેટાની તફડંચી કરી શકે જયારે અહી કોઈ સેન્ટર જ ન હોય તો હેકર કોને હેક કરે? એ વાત સાચી કે ડીજીટલ વર્લ્ડમાં એક પણ હેકપ્રૂફ સીસ્ટમ નથી પણ અહી એક જ સીસ્ટમમાં એટલા બધા સર્વરો એકબીજા સાથે સતત જોડાયેલા રહે છે કે બધાને એક જ સમયે હેક કરવું અસંભવ છે. માટે બીટકોઈન સુરક્ષિત છે.
બીટકોઈન જેની પાસે હોય તેની હાર્ડડ્રાઈવના ડીજીટલ વોલેટમાં તે પડ્યો રહે અને તેની એક ટ્રાન્સફર કી તેણે સાચવવાની હોય જેનો ઉપયોગ કરીને તે બીટકોઈન દ્વારા ચુકવણી કરી શકે કે કોઈને વેચી શકે. યુનાઈટેડ કિંગડમના વેલ્સ પરગણાંના એક માણસની બીટકોઇન વોલેટ ધરાવતી હાર્ડ ડ્રાઈવ ખોવાઈ ગઈ હતી માટે તેણે અંદાજીત ૭૫ લાખ ડોલરથી હાથ ધોઈ નાખવા પડ્યા હતા.
જાણીતી વાત છે કે ૨૦૦૮ માં કોઈ સતોશી નાકામોતો નામના કહેવાતા માણસે વ્હાઈટ પેપરમાં રીસર્ચ આર્ટીકલ લખેલો જેમાં બીટકોઈનનો ઉલ્લેખ હતો. બીટકોઈનના સર્જક તરીકે સતોશી નાકામોતોનું નામ લેવાય છે પણ તે એક વ્યક્તિ હતી કે પછી સરખી વિચારસરણી ધરાવતા બૌદ્ધિકોનું ગ્રુપ હતું તે વિશ્વમાં એક સિવાય કોઈને પણ ખબર નથી. તે ‘એક’ એટલે સતોશી નાકામોતો. એવું પણ બની શકે કે બીટકોઈન એ કૃત્રિમ બુદ્ધિમતા એટલે કે કોઈ સુપરકમ્પ્યુટરની આર્ટીફીશિયલ ઇન્ટેલીજન્સનો વિચાર હોય. ત્યાં સુધી પણ કલ્પના કરવામાં આવી છે કે બીટકોઈનનું સર્જન તો ભવિષ્યમાંથી ટાઈમ ટ્રાવેલ કરીને તેના ભૂતકાળમાં અર્થાત આપણા વર્તમાનમાં આવેલા કોઈ બુદ્ધિશાળી જીવે કરી હશે. કારણ કે બીટકોઈન કોઈ દેશ કે કોઈ સરકારને ગાંઠતું નથી. તે ગ્લોબલ કરન્સી છે. જયારે વિશ્વ નાનું થતું જાય છે ત્યારે મની એક્સચેન્જની જરૂર ન રહે તેવા નાણાની આવશ્યકતા તો રહેવાન. બીટકોઈન તે આવશ્યકતાનું સમાનાર્થી છે.
બીટકોઈનનો બબલ ચંદ મહિનાઓમાં ફૂટી જશે તે વાતમાં માલ નથી. એનું કારણ જાણવા માટે તેના જન્મનું કારણ જાણવું પડે. કોમર્સમાં રસ ધરાવતા કોઈ મિત્રને બીટકોઈનની હિસ્ટરી વિષે પ્રશ્ન કરો તો શક્ય છે કે તે ૨૦૦૮ ની મંદીને તેનું કારણ બતાવે. વાત સાચી પણ છે કેમ કે યુ.એસ. ફેડરલ રીઝર્વમાં મોટી પોસ્ટ ઉપર બેઠેલા અનેક અધિકારીઓની બેન્ક માફિયા સાથેની મિલીભગતને કારણે જબરદસ્ત આર્થિક મંદી આવી, લાખો લોકો બેઘર થઇ ગયા અને સમગ્ર વિશ્વમાં અમેરિકન મંદીના એવા પ્રચંડ પડઘાં પડ્યા કે બીજા અનેક દેશોના કરોડો લોકો બેરોજગાર બન્યા. સદનસીબે કે ભારતીય શાસકોની દુરદ્રષ્ટિને કારણે ભારત ૨૦૦૮ ની મંદીના સપાટામાં ન આવ્યું.
જે વિવાદાસ્પદ અધિકારીઓ જ્યોર્જ બુશના સમયમાં હતા તેમાંથી ઘણાંને બરાક ઓબામાએ પોતાની ટર્મમાં રીપીટ કર્યા. અમેરિકન પ્રજાનો તેની સરકાર ઉપર ભરોસો રહ્યો હોય કે નહિ, વિશ્વના અનેક લોકોનો ભરોસો ડોલર ઉપરથી ઉઠી ગયો હતો. [આજની તારીખે અમેરિકાના અર્થતંત્રની વાસ્તવિક હાલત ફક્ત બે મુદ્દાઓ ઉપરથી ખબર પડી જશે (૧) દુનિયાનો સૌથી મોટો દેવાદાર દેશ અમેરિકા છે. (૨) અમેરિકામાં દર પાંચમાંથી એક કુટુંબ ઉપર તેની કુલ સંપતિ કરતાં વધુ દેવું છે.] ટ્રમ્પ આ બંને મુદાઓને નેસ્તનાબુદ કરવા ઈચ્છે છે પણ અઘરું છે.
ફક્ત અમેરિકન સરકાર કે યુએસ ફેડરલ રીઝર્વ ઉપરથી જ નહિ, જાગતના ઘણાં ખેરખાંઓને સમજી ગયું કે, હવે કોઈ પણ દેશની સરકાર ઉપર કે તેની મુખ્ય બેન્ક ઉપર વિશ્વાસ મૂકી શકાય નહિ. રાજકારણીઓના ભ્રષ્ટાચારની દવા પૃથ્વીના પટ ઉપર ક્યાંય જડવાની નથી. ઉપરાંત કોઈ પણ વ્યક્તિને નાણા વિના ન ચાલે. પૈસો એ માનવમાત્રની જરૂરિયાત છે. તો ભવિષ્યની પેઢીઓને સુરક્ષિત રાખવા માટે કોઈ સરકાર ઉપર આધાર ન રાખતી હોય એવી એક સીસ્ટમ બનાવવી બેહદ જરૂરી હતી જેમાં કોઈ જ જાતનો હસ્તક્ષેપ કોઈ સરકાર ન કરી શકે, જેમાં તે ચલણને ખારીજ કરવાનો ફતવો કોઈ સરકાર બહાર ન પડી શકે. ખુદ સતોશી નાકામોતો બીટકોઈનની બ્લોકચેઈનનું નાનકડું નેટવર્ક સ્થપાઈ ગયા અને તેને ૨૦૦૯ માં ઓપન સોર્સ કોડ તરીકે દુનિયાના ખોળે રમતું મૂકીને ૨૦૧૧માં તે નીકળી ગયો.
તેની સૌથી નજીકના બીટકોઈન સીસ્ટમના કોડ ડેવલપરે પણ તેને ક્યારેય રૂબરૂ મળ્યા નથી, ઈમેઈલ મારફતે વાત કરી હશે. સતોશી કોણ હતો તે જાણવા તેને ટ્રેસ કરવો અશક્ય છે. અત્યારે એવું કહેવાય છે કે ૧ મિલિયન બીટકોઈનનો માલિક સતોશી ચાહે તો પણ તેણે પોતે બનાવેલા નેટવર્કમાં સહેજ પણ ફેરફાર ન કરી શકે. ઉપરની વાત સાચી છે પણ બીટકોઈન જેવી બીજી હજારેક જેટલી ક્રીપ્ટોકરન્સીના મુળિયા ફક્ત ૨૦૦૮ ની મંદીમાંથી ઉદભવ્યા હોય એટલા છીછરા નથી.
યાદ કરો, ૧૯૧૩ માં અમેરિકન સરકારે ફેડરલ રીઝર્વની સ્થાપના કરી. અમુક સંજોગો હેઠળ અમુક બાબતોમાં સરકારને પણ ઉપરવટ થઇ શકતી ફેડરલ રીઝર્વની સ્થાપના કરવાનો એકમાત્ર હેતુ હતો કે આખા દેશની મોનેટરી પોલીસી ઉપર દેખરેખ રાખી શકે અને કોઈ પણ ફાઈનાન્સિયલ ક્રાઈસીસ અર્થાત આર્થિક કટોકટીને નિવારી શકે. તેની સ્થાપનાના દોઢ દાયકા પછી જ ૧૯૨૯ માં ઈતિહાસસર્જક મહામંદી સર્જાઈ અને આખો દેશ ઓલમોસ્ટ પડી ભાંગ્યો, દરેક અમેરિકન રસ્તા ઉપર હતો. ૧૯૩૩ માં અમેરિકન પ્રેસિડેન્ટ ફ્રેન્કલીન રુઝવેલ્ટે સત્તા ઉપર આવતાની સાથે શું કર્યું? નાગરીકોને પરાણે ફરજ પાડી પોતાનું સોનું ફેડરલ રીઝર્વને વેચી નાખવા માટે. આ કઈ છેલ્લો કિસ્સો ન હતો. ઇન્દિરા ગાંધીને ભાંડવામાં માહિર એવા રીચાર્ડ નિકસને પણ ૧૯૭૧ માં સોનાની કટોકટી જાહેર કરીને પ્રજાના સોના ઉપર સરકારી પંજો માર્યો હતો. ૨૦૨૫ માં વાસ્તવિકતા એ છે કે અમેરિકન સરકાર તેમના લેણદારોને વાર્ષિક ૪,૦૦,૦૦,૦૦,૦૦૦ ડોલર ફક્ત વ્યાજ પેટે ચુકવે છે.
ચાલો સરકાર ઉપર લાગેલા આરોપોને સાઈડમાં મૂકીને ફક્ત આર્થિક સીસ્ટમના મુખ્ય ચલણને કેન્દ્રમાં રાખીને વિચારીએ. તમારા ખિસ્સામાં રહેલા રૂપિયાનું મુલ્ય એટલા માટે છે કે એટલા જથ્થાનું સોનું સરકારે પોતાના કબજામાં રાખ્યું છે. દરેક સરકાર સોનાનો રીઝર્વ સ્ટોક રાખે છે. પરંતુ હવે તો અમેરિકા જેવા ઘણાં દેશોમાં સોના ઉપરાંત બોન્ડની વેલ્યુ ઉપર પણ ડોલરની નોટ છપાય છે. આ જોખમી બાબત છે. વર્ષો પહેલાં જયારે રસ્તાઓ બન્યા ન હતા અને ગાડી નવી નવી હતી ત્યારે ગાડીની આગળ એક ગાર્ડમેન ચાલતો જે રસ્તે ચાલતાં રાહદારીઓને ખસેડવાનું અને ગાડી તથા કોઈ માણસની અથડામણ રોકવાનું કામ કરતો. સ્થિતિ હવે બદલાઈ ગઈ છે, ગાર્ડમેન હવે રહ્યા નથી. ગાડીનો તો ભરોસો નથી જ પણ રાહદારીનો પણ નથી. અથડામણ ગમે ત્યારે થઇ શકે છે.
બીટકોઈન આ અથડામણ થવા દે એમ નથી. કારણ કે બીટકોઈન અમર્યાદિત સંખ્યામાં નથી. ઝિમ્બાબ્વે જેવા દેશને એક ટ્રીલીયન કરન્સીની ચલણી નોટ છાપવી પડે છે. બીટકોઈનમાં એવો ફુગાવો ઈમ્પોસીબલ છે કારણ કે ફક્ત એકવીસ મિલિયન બીટકોઈનનું જ માઈનીંગ (ખોદકામ) થઇ શકે છે. બીટકોઈનની બ્લોકચેઈનના કોડ જ એવી રીતે લખાયા છે કે એકવીસ મિલિયનથી વધુ એક પણ બીટકોઈન સર્જાઈ ન શકે. ડીમાન્ડ ગમે તેટલી વધે સપ્લાય લીમીટેડ જ રહેવાનો છે. બીટકોઈન માઈન કરવા માટે એટલે કે બ્લોકચેઈનમાંથી નવા બીટકોઈનનું સર્જન કરવા માટે ઇન્ટરનેટ ઉપર ખોદકામ કરવું પડે. તેના માટે બીટકોઈનના નેટવર્કને વધુ સુરક્ષિત બનાવવા માટે મદદરૂપ થાય એવા અતિકઠીન ગાણિતિક પ્રશ્નો સોલ્વ કરવા પડે.
જો તમે એક પણ મેથેમેટીકલ પ્રોબ્લેમ સોલ્વ કરી દો તો તમને અત્યારની સીસ્ટમ મુજબ ૧૨.૫ બીટકોઈન મળે. એક સમયે એટલા જ માઈનીંગના ૫૦ બીટકોઈન મળતા પણ નિયમ એ છે કે દર ચાર વર્ષે રીવોર્ડ તરીકે મળતા બીટકોઈનની સંખ્યા અડધી થઇ જાય. પચાસના અડધા પચીસ અને પચીસના અડધા સાડા બાર. આ રીતે સંપૂર્ણ એકવીસ મિલિયન બીટકોઈનના માઈનીંગની પ્રક્રિયા પૂરી થતા ૨૧૪૦ સુધી રાહ જોવી પડશે. અર્થાત હજુ ૧૨૩ વર્ષ સુધી નવા બીટકોઈનનું સર્જન શક્ય છે પરંતુ એ પણ હકીકત છે કે દિવસે ને દિવસે તેનું માઈનીંગ ખુબ અઘરું બનતું જાય છે.