કોફી આટલી મોંઘી કેમ ?? છેલ્લા સુડતાલીસ વર્ષમાં કોફીના ભાવ ટોચ પર, જાણો કેમ વધી રહ્યા છે ભાવ ?
ભારતીયો સવારે ઉઠીને ચા પીવે પણ મહેમાન સાથે કે બહાર કેફેમાં જઈને કોફી ઓર્ડર કરે. કોફી મોંઘુ પીણું છે. વિશ્વના બે સૌથી મોટા કોફી ઉત્પાદ દેશો એટલે બ્રાઝિલ અને વિયેતનામ દેશ જ્યાં આ વર્ષે કોફીનો પાક બહુ નબળો લેવાયો છે. તેના કારણે કોફીના ભાવ 1977 પછીના ઉચ્ચતમ સ્તરે પહોંચી ગયા છે.
કોફીના ભાવ કેમ વધી રહ્યા છે?
કોફીની કિંમત મોટાભાગે ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ દ્વારા નક્કી કરવામાં આવે છે, જેમાં અરેબિકા બીન્સ બેન્ચમાર્ક સેટ કરે છે. અરેબિકા વિશ્વભરમાં સૌથી વધુ લોકપ્રિય એવી કોફીની જાત છે. તાજેતરના અહેવાલો અનુસાર, અરેબિકા બીન્સની કિંમત અડધા કિલો દીઠ 3.44 ડોલર પર પહોંચી ગઈ છે જે આ વર્ષે 80% નો વધારો કહેવાય. પાંચ દાયકામાં આ સૌથી ઝડપી ભાવ વધારો છે. છેલ્લી વખત 1977માં જ્યારે હિમવર્ષાથી બ્રાઝિલના કોફીના વાવેતરમાં વિનાશ થયો ત્યારે ભાવ બહુ ઉંચકાયા હતા.
બ્રાઝિલની હવામાન કટોકટી
અરેબિકા કોફીનું સૌથી મોટું ઉત્પાદક બ્રાઝિલની આબોહવા અત્યારે બહુ અસ્થિર છે. ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં 70 વર્ષમાં સૌથી ખરાબ દુષ્કાળ જોવા મળ્યો, જેના કારણે પાક સુકાઈ ગયો. તેના પછી ઓક્ટોબરના વરસાદે ફૂલોના પાકને વધુ નુકસાન પહોંચાડ્યું હતું, જેના કારણે પાક નિષ્ફળ જવાની ભીતિ હતી. નિષ્ણાતો માને છે કે બ્રાઝિલમાં અરેબિકા બીન્સના ઉત્પાદનમાં તીવ્ર ઘટાડો થઈ શકે છે:આગામી સિઝનમાં ઉત્પાદન ઘટીને 34.4 મિલિયન બેગ થઈ શકે છે, જે અગાઉના 45 મિલિયનના અંદાજથી નીચે છે. કોફીની બીજી જાત રોબસ્ટા બીન્સનું ઉત્પાદન પણ ઘટ્યું છે. રોબસ્ટાના સૌથી મોટા ઉત્પાદક વિયેતનામને પણ ભારે વરસાદ બાદ દુષ્કાળની સમાન સમસ્યાનો સામનો કરવો પડ્યો. જેના કારણે આ વર્ષે રોબસ્ટાના ભાવમાં 60%નો વધારો થયો છે.
વૈશ્વિક કોફીનો સપ્લાય દબાણ હેઠળ છે
સમસ્યા માત્ર આ વર્ષની નથી. પરંતુ ભવિષ્ય પણ અંધકારમય દેખાઈ રહ્યું છે. ચિંતાજનક વલણ શરુ થઇ રહ્યું છે. કોફીનું ઉત્પાદન સતત પાંચ વર્ષથી વૈશ્વિક માંગને પહોંચી વળવામાં અસફળ થઇ રહ્યું છે. 2025-26 સુધીમાં, નિષ્ણાતોનો અંદાજ છે કે વૈશ્વિક સ્તરે 85 લાખ કોફી બેગની અછત હશે.
આ સમસ્યા આબોહવા પરિવર્તન દ્વારા વધુ વકરી છે. હવામાનની પેટર્ન વધુ અણધારી અને આત્યંતિક બની છે માટે કોફીની કટોકટી પણ તીવ્ર થઇ છે. કોફીના પાકને ઉષ્ણકટિબંધીય, ભેજવાળી પરિસ્થિતિઓ અને સમૃદ્ધ જમીનની જરૂર હોય છે, જે તેમને આબોહવા વિક્ષેપો માટે અત્યંત સંવેદનશીલ બનાવે છે. ઇન્ટરગવર્મેન્ટલ પેનલ ઓન ક્લાઇમેટ ચેન્જ (IPCC) ના તાજેતરના અહેવાલમાં ચેતવણી આપવામાં આવી છે કે હવામાન પરિવર્તનને કારણે મધ્ય અમેરિકામાં કોફી ઉગાડતી જમીન 2050 સુધીમાં 38-89% સુધી ઘટી શકે છે.
કોફીનો પુરવઠો ઓછો હોવાથી અને માંગમાં વધારો (ખાસ કરીને ચીન જેવા દેશોમાંથી), ભાવ ઊંચા રહેવાની ધારણા છે. જે કંપનીઓ મહિનાઓ અગાઉ કોફી ખરીદે છે તેઓ 6-12 મહિનામાં આ વધેલી કિંમતે ગ્રાહકોને કોફી આપશે. નેસ્લે અને JDE પીટ જેવી મોટી બ્રાન્ડ્સ પહેલેથી જ 2025 માટે ભાવ વધારાનું આયોજન કરી રહી છે. કોફીના ખર્ચેન પહોંચી વળવા માટે કંપનીઓ પેકેજિંગનું કદ પણ ઘટાડી શકે છે. નિષ્ણાતો કોફીને બદલાતા વાતાવરણમાં કૃષિ ક્ષેત્ર માટે ચેતવણીના સંકેત તરીકે જુએ છે.
નજીકના ભવિષ્યમાં જ કોફીના ચાહકોએ ઊંચી કિંમતોની તૈયારી કરવી પડશે. પરંતુ સૌથી મોટો મુદ્દો ક્લાઈમેટ ચેન્જને સંબોધિત કરવાનો છે, જે માત્ર કોફીને જ નહીં પરંતુ સમગ્ર વૈશ્વિક કૃષિને જોખમમાં મૂકે છે. જો પ્રવર્તમાન વલણો ચાલુ રહેશે, તો આપણી કોફી દુર્લભ થઇ ગઈ હશે.