શાંત સ્વભાવ અને બૌદ્ધિક તેજસ્વીતા માટે જાણીતા પૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહ હંમેશા બ્લૂ પાઘડી કેમ પહેરતા ??
શાંત સ્વભાવ અને બૌદ્ધિક તેજસ્વીતા માટે જાણીતા ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહે ભારત પર અમીટ છાપ છોડી છે. 92 વર્ષની વયે તેમના નિધન પર સમગ્ર રાષ્ટ્ર શોક વ્યક્ત કરી રહ્યું છે. તેમની જાહેર છબીનું સૌથી પ્રતિકાત્મક પાસું ફરીથી ધ્યાન કેન્દ્રિત કરે છે – તેમની વાદળી રંગની પાઘડી. તેઓ હંમેશા આવી લાઈટ બ્લ્યુ પાઘડી જ કેમ પહેરતા
તેમની સફેદ અને ઝીણી દાઢી, મોટા ચશ્મા અને ટ્રેડમાર્ક સમી વાદળી રંગની પાઘડી મનમોહન સિંહની સાદગીના સિમ્બોલ ગણાતા. મૃદુભાષી અર્થશાસ્ત્રી અને ભારતના 14મા વડાપ્રધાન, તેમણે પોતાનું જીવન જાહેર સેવા અને આર્થિક સુધારા માટે સમર્પિત કર્યું.
1932માં ગાહમાં જન્મેલા, જે હવે પાકિસ્તાનમાં છે, ડૉ. સિંઘની જીવન યાત્રા તેમને એક નાનકડા ગામમાંથી વિશ્વની કેટલીક પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાં લઈ ગઈ. ભારતના ભાગલા પછી, તેમનો પરિવાર અમૃતસરમાં સ્થાયી થયો, જ્યાં તેમણે તેમની શૈક્ષણિક યાત્રા શરૂ કરી. શીખવાની તેમની પ્રતિબદ્ધતા તેમને પંજાબ યુનિવર્સિટીમાં લઈ ગઈ, જ્યાં તેઓ સૌપ્રથમ અર્થશાસ્ત્રમાં પારંગત થયા. બાદમાં તેમણે શિષ્યવૃત્તિ પર કેમ્બ્રિજ અને ઓક્સફોર્ડ યુનિવર્સિટીઓમાં ઘણો અભ્યાસ કર્યો. શિક્ષણ ક્ષેત્રે અવ્વલ સ્થાન મેળવતા ગયા.
બ્લ્યુ રંગની પાઘડી પસંદ કરવાનું કારણ કોઈ ફેશન સેન્સ કે ગમતો કલર ન હતો. પણ બ્લ્યુ પાઘડીનું તેમના જીવન અને અનુભવો સાથે મજબુત કનેક્શન છે. કેમ્બ્રિજ યુનિવર્સિટી ખાતે 2006ના એક કાર્યક્રમ દરમિયાન એડિનબર્ગના ડ્યુક પ્રિન્સ ફિલિપે ડૉ. સિંઘને માનદ પદવી અર્પણ કરતી વખતે તેમની પાઘડીના વાઇબ્રન્ટ રંગો પર પણ ટિપ્પણી કરી હતી. મનમોહન સિંહે તે ફંક્શનમાં પોતે બ્લ્યુ પાઘડી કેમ પહેરે છે તે સ્પષ્ટ કર્યું હતું. બ્લ્યુ તેમનો પ્રિય રંગ છે એવું કહ્યું હતું. કેમ્બ્રિજ ખાતેના તેમના યાદગાર દિવસોની યાદ અપાવી.
કેમ્બ્રિજ ખાતેના તેમના સાથીદારોએ તેમને પ્રેમથી “ધ બ્લુ ટર્બન” તરીકે ઉપનામ આપ્યું હતું અને જે નામ આખાય જીવન દરમ્યાન તેમની સાથે જોડાયેલું રહ્યું. મનમોહન સિંઘ માટે બ્લ્યુ પાઘડી તેમના અલ્મા મેટર સાથે જોડાયેલી તેમની યાદ છે. એ જગ્યા જ્યાં તેઓ જીવનના અમુલ્ય પાઠો શીખ્યા. મનમોહન સિંઘની અંદર નિખાલસતા, બૌદ્ધિક જીજ્ઞાસા અને હિંમતના મુલ્યો જેવા ઘણા સદગુણો અને સંસ્કારોનું સિંચન થયું.
મનમોહન સિંહની શૈક્ષણિક સિદ્ધિઓ અસાધારણ હતી. કેમ્બ્રિજ ખાતે, તેમણે અર્થશાસ્ત્રમાં તેઓ ડીસ્ટીન્કશન સાથે ડિગ્રી મેળવી હતી અને બાદમાં ઓક્સફોર્ડમાંથી તેઓએ ડી.ફિલની ડીગ્રી મેળવી. જોન રોબિન્સન, નિકોલસ કાલ્ડોર અને અમર્ત્ય સેન જેવા જાણીતા અર્થશાસ્ત્રીઓના સંસર્ગથી અર્થશાસ્ત્ર વિષયમાં તેમના જ્ઞાનની ક્ષિતિજો બહુ વિસ્તરી.
ભારત પરત ફરતા ડૉ. સિંઘ અગ્રણી અર્થશાસ્ત્રી તરીકે પ્રસ્થાપિત થયા. ભારત સરકાર અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં અગ્રણી હોદ્દા પર રહ્યા. અર્થશાસ્ત્રની તેમની ઊંડી સમજ અને આગળનું વિચારવાની ક્ષમતાએ તેમને અલગ બનાવ્યા.
આધુનિક ભારતીય અર્થતંત્રના આર્કિટેક્ટ
1990 ના દાયકામાં નાણા પ્રધાન તરીકે, ડો. સિંઘે આર્થિક ઉદારીકરણનું નેતૃત્વ કર્યું, જેણે ભારતની અર્થવ્યવસ્થાને બંધ એવી સમાજવાદી વ્યવસ્થામાંથી વૈશ્વિક સ્તરે જોડાયેલા બજારમાં પરિવર્તિત કરી. વેપાર અવરોધો ઘટાડવા અને વિદેશી રોકાણને પ્રોત્સાહિત કરવા સહિતના તેમના સુધારાઓએ ભારતના ઝડપી વિકાસનો પાયો નાખ્યો હતો.
પાછળથી, વડા પ્રધાન તરીકે ડૉ. સિંહે રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ (NREGA) જેવા કાર્યક્રમો રજૂ કર્યા, જેનો હેતુ ગરીબી ઘટાડવા અને ગ્રામીણ આજીવિકા સુધારવાનો હતો. રાજદ્વારી મોરચે, તેમણે યુનાઇટેડ સ્ટેટ્સ સાથે ભારતના સંબંધોને મજબૂત બનાવ્યા, પડોશી દેશો સાથેના સંબંધોમાં સુધારો કર્યો અને ભારતનું વૈશ્વિક કદ ઊંચું કર્યું.
સાદગી અને દૂરદર્શિતાનો વારસો
મનમોહન સિંહને તેમની સિદ્ધિઓ માટે જ નહીં પરંતુ તેમની નમ્રતા અને શાંત નિશ્ચય માટે પણ હંમેશા યાદ કરવામાં આવશે. તેમની વાદળી પાઘડી, તેમની ઓળખનો એક સરળ છતાં આકર્ષક ભાગ, તેમની સફરનું પ્રતીક છે – કેમ્બ્રિજના વિદ્વાનથી લઈને ભારતના સૌથી આદરણીય નેતાઓમાંના એક એવા મનમોહન સિંઘને વિરોધ પક્ષના નેતાઓ પણ પુરતું સન્માન આપે છે. આ દેશની પ્રગતિમાં તેમનું યોગદાન અને તેમનો કાયમી વારસો પેઢીઓને પ્રેરણા આપતો રહેશે.