બાંગ્લાદેશમાં કોના મૃતદેહો મળી રહ્યા છે ? કોનું ઘર સલગાવાયું ? વાંચો
હિંસાની આગમાં સળગી રહેલા બાંગ્લાદેશમાં ભયાનક હિંસાનો દોર ચાલી રહ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી સતત વિદ્યાર્થીઓના દેખાવોથી ભડકેલી ચિંગારીએ હવે આખા દેશને ભરડામાં લીધો છે. હજુ પણ મોટા પાયે હિંસા ચાલુ છે. બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન અને હાલમાં ભારતમાં શરણ લેનાર શેખ હસીનાની પાર્ટી અવામી લીગના 20 નેતાઓના મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો.
વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપીને ભારત આવી જનાર શેખ હસીનાની પાર્ટી અવામી લીગના નેતાઓ હવે હિંસા કરનારા લોકોનો શિકાર બની રહ્યા છે. આ નેતાઓના પરિવારજનોને પણ મારી નાખવામાં આવ્યા હોવાનો ખુલાસો થયો છે. પાર્ટીના અનેક નેતાઓ અને કાર્યકરોના ઘરો અને ધંધાકીય સંસ્થાઓમાં તોડફોડ અને લૂંટફાટ કરવામાં આવી રહી છે.
ઘરોને આગ
બાંગ્લાદેશના સતખીરામાં થયેલી હિંસામાં 10 લોકોના મોત થયા હતા જ્યારે કુમિલ્લામાં 11 લોકો માર્યા ગયા હતા. બાંગ્લાદેશના ભૂતપૂર્વ કાઉન્સિલર મોહમ્મદ શાહ આલમના ત્રણ માળના મકાનને તોફાનીઓએ આગ લગાવી દીધી હતી, જેમાં છ લોકો માર્યા ગયા હતા.
નેતાઓ ભાગી રહ્યા છે
સત્તાપલટો અને શેખ હસીના વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દેશ છોડીને ભાગી ગયા બાદ તેમની પૂર્વ કેબિનેટના મંત્રીઓ પણ હવે જીવ બચાવવા મજબૂર છે. બાંગ્લાદેશના પૂર્વ વિદેશ મંત્રી હસન મહમૂદની ઢાકા એરપોર્ટ પરથી અટકાયત કરવામાં આવી હતી. તે ભારત નીકળવા ફ્લાઈટ પકડવા પહોંચ્યા હતા.