ટેસ્લા સાથે કોણ દેશમાં મીલાવશે હાથ ? જુઓ
કોની વચ્ચે વાતચીત ચાલે છે ?
ભારતમાં ટેસ્લાની એન્ટ્રી લગભગ નક્કી માનવામાં આવે છે. ઇલોન મસ્કની આ કંપનીએ ઉત્પાદન પ્લાન્ટ નાખવા માટે અનેક રાજ્ય સરકારો સાથે વાતચીત કરી લીધી છે ત્યારે હવે એક મોટું નામ સામે આવ્યું છે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પ્લાન્ટ માટે ઇલોન મસ્ક સાથે જોઇન્ટ વેન્ચર એટલે કે સંયુક્ત સાહસ કરી શકે છે.
આ બંને વચ્ચે વાતચીત શરૂ થઈ ગઈ હોવાનું બહાર આવ્યું છે. ભારતમાં સંયુક્ત સાહસથી ઇલેક્ટ્રિક વાહનો માટે ક્ષમતા વધારવાનો રિલાયન્સનો હેતુ છે. બીજી બાજુ મસ્ક પણ પ્લાન્ટ માટે મજબૂત સાથીની તલાશમાં હતા. એમને લોકલ પાર્ટનરની જરૂર હતી.
હવે એવા અહેવાલો બહાર આવ્યા છે કે મસ્ક રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંયુક્ત સાહસ અંગે વાત કરી રહ્યા છે. ભારતમાં ટેસ્લાની એન્ટ્રીમાં રિલાયન્સની મોટી ભૂમિકા રહી શકે છે. જો કે અત્યારે વાતચીત પ્રારંભિક તબક્કામાં છે. આ બેઠકોનો દોર એક મહિનાથી ચાલી રહ્યો છે.
જો કે સૂત્રોએ એવી ચોખવટ પણ કરી છે કે આ પગલાંને ઓટોમોબાઈલના સેક્ટરમાં રિલાયન્સના પ્રવેશ તરીકે જોવું જોઈએ નહીં. રિલાયન્સ તો માત્ર ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોની ક્ષમતા વધારવા માટે જ રસ લ્યે છે. આ માટે જ મસ્ક સાથે વાત થઈ રહી છે.
બીજી બાજુ રાજ્ય સરકારો વચ્ચે પણ ટેસ્લાના પ્લાન્ટને સ્થાપવા માટે સ્પર્ધા શરૂ થઈ ગઈ છે બધી સરકારો મસ્કને આકર્ષવા પ્રયાસ કરી રહી છે. જેમાં ગુજરાત સૌથી આગળ રહ્યું છે. મહારાષ્ટ્રે પણ પૂણે ખાતે આવો પ્લાન્ટ નાખવાની દરખાસ્ત કરી છે.