મહારાષ્ટ્રનાં CM કોણ ? વિજય રૂપાણી અને નિર્મલા સીતારામનની હાજરીમાં ભાજપના નેતાની થશે પસંદગી
ભારતીય જનતા પાર્ટીએ મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાના પ્રયાસો તેજ કરી દીધા છે. ભાજપે મહારાષ્ટ્રમાં બે નિરીક્ષકોની નિમણૂક કરી હતી. કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને નિરીક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીના નામને મંજૂરી આપવા માટે બીજેપી વિધાયક દળની બેઠક થશે. આ બેઠકમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ અને ભાજપના વરિષ્ઠ નેતા વિજય રૂપાણી નિરીક્ષક તરીકે હાજર રહેશે. માનવામાં આવે છે કે આ બેઠકમાં જ કોને મુખ્યમંત્રી બનાવવામાં આવશે તેની જાહેરાત કરવામાં આવશે.
આ બેઠક માત્ર ભાજપના ધારાસભ્ય દળના નેતાની પસંદગી માટે યોજાવાની છે. બીજેપી સૂત્રોનું કહેવું છે કે 4 ડિસેમ્બરે બીજેપી વિધાયક દળની બેઠક યોજાશે, જેમાં એક નેતાના નામની દરખાસ્ત કરવામાં આવશે અને ફરીથી તમામ ધારાસભ્યોની મંજૂરી લેવામાં આવશે. હાલમાં ચર્ચા છે કે દેવેન્દ્ર ફડણવીસના નામનો પ્રસ્તાવ ભાજપ હાઈકમાન્ડ દ્વારા કરવામાં આવશે, પરંતુ આ અંગે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. આ સિવાય આ મુદ્દે કોઈ ખુલીને બોલી રહ્યું નથી.
અત્યાર સુધી મળેલી માહિતી મુજબ એકનાથ શિંદે આગ્રહ કરી રહ્યા છે કે જો તેમને સીએમ નહીં બનાવવામાં આવે તો તેમને ગૃહ મંત્રાલય જેવું શક્તિશાળી મંત્રાલય મળવું જોઈએ. શિવસેનાના નજીકના સૂત્રોનું કહેવું છે કે એકનાથ શિંદે લાંબા સમયથી ગૃહમંત્રી બનવા માંગતા હતા. સમગ્ર મહારાષ્ટ્રની કાયદો અને વ્યવસ્થાની જવાબદારી સંભાળવાની તેમની ઈચ્છા રહી છે. મુખ્યમંત્રી પછી ગૃહમંત્રી કોઈપણ સરકારમાં સૌથી શક્તિશાળી વ્યક્તિ હોય છે. એકનાથ શિંદે સીએમ હતા ત્યારે દેવેન્દ્ર ફડણવીસે આ જવાબદારી લીધી છે. હવે જો બીજેપી સીએમ બને છે તો એકનાથ શિંદે ઇચ્છે છે કે તેઓ ગૃહમંત્રી બને.
તમને જણાવી દઈએ કે એકનાથ શિંદેએ આજે પણ તેમની તમામ સભાઓ રદ કરી દીધી છે. શિંદેના નજીકના સૂત્રોનું કહેવું છે કે તેઓ હજુ પણ તાવથી પીડિત છે. આ કારણે તેમણે શિવસેનાના ધારાસભ્યો સાથેની બેઠક પણ મોકૂફ રાખી છે. આ દરમિયાન ડેપ્યુટી સીએમ અજિત પવાર દિલ્હી પહોંચી રહ્યા છે. તેમની સાથે સુનીલ તટકરે અને પ્રફુલ્લ પટેલ પણ દિલ્હી પહોંચી રહ્યા છે અને એકનાથ શિંદેની નાદુરસ્ત તબિયત અને અજિત પવારના દિલ્હી આગમનને લઈને ઘણી અટકળો થઈ રહી છે, પરંતુ સત્તાવાર રીતે કોઈએ કંઈ કહ્યું નથી.