અયોધ્યામાં રામ મંદિર બનાવવામાં કોને રસ હતો ? શું કહ્યું વિહિપે ? વાંચો
અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું કામ આખરી તબક્કામાં છે. જાન્યુઆરી માસમાં તેના ભવ્ય ઉદ્ઘાટનની સંભાવના પણ વ્યક્ત થઈ છે ત્યારે એક નવી હકીકત બહાર આવી છે. વાત એવી છે કે જ્યારે મંદિર નિર્માણ પર ચર્ચા ચાલી રહી હતી ત્યારે દેશના અનેક ટોચના ઉધ્યોગપતિઓએ પોતે જ મંદિર બનાવવાની ઈચ્છા પ્રગટ કરી હતી. જો કે એમની દરખાસ્ત રદ કરી દેવાઈ હતી.
વિહીપના રાષ્ટ્રીય પ્રવક્તા વિનોદ બન્સલે મીડિયા સાથેની વાતચીતમાં આ માહિતી આપી હતી અને કહ્યું હતું કે છેલ્લે મંદિર નિર્માણનું કામ રામ જન્મભૂમિ તીર્થક્ષેત્રને સોંપી દેવામાં આવ્યું હતું. એમણે કહ્યું હતું કે દેશના અનેક ટોચના ઉધ્યોગપતિઓ આ પ્રકારની દરખાસ્ત લઈને વિહિપ પાસે આવ્યા હતા. જો કે સંગઠને બધી જ દરખાસ્તો નકારી દીધી હતી.
વધુમાં એમણે એવી માહિતી આપી હતી કે એ સમયે અભિયાન ચાલ્યું હતું અને 13 કરોડ પરિવારો પાસેથી ફંડ લેવામાં આવ્યું હતું. બિઝનેસમેનોના નામ જાહેર કરવાનો એમણે ઇનકાર કરી દીધો હતો. લોકોની ભાવનાઓને અયોધ્યા સાથે જોડવાના હેતુથી જ અભિયાન ચાલ્યું હતું.
વિહીપના કાર્યકરોએ દેશભરમાં ફરીને લોકો પાસેથી ફંડ મેળવ્યું હતું. 13 કરોડથી પણ વધુ પરિવારો પાસેથી ધન એકત્ર કરાયું હતું. હવે ફરીવાર ઉદ્ઘાટન પહેલા બધા જ ભાવિકો પાસે જવાનો કાર્યક્રમ ઘડાયો છે.