દેશમાં ખાદ્યમોંઘવારી ચિંતાજનક હોવાનું કોણે કહ્યું… વાંચો
ફૂગાવો સંતુલિત રહેલો હોવા છતાં ભાવ સપાટી માટે ભારત હજુ પણ અસુરક્ષિત: જાપાનમાં આરબીઆઈના ગવર્નરે કર્યું સંબોધન
તહેવારોની સીઝન ચાલી રહી છે ત્યારે દેશમાં હજુ પણ મોંઘવારી આમ આદમી માટે એક સમસ્યા છે અને આર્થિક બેહાલી હજુ પણ સમાજના મોટા વર્ગમાં દેખાઈ રહી છે અને ખાસ કરીને ખાદ્ય પદાર્થોમાં ભાવને લીધે ફૂગાવો વધુ જોર કરી રહ્યો છે પરંતુ આવનારા દિવસોમાં પણ આ સમસ્યા સામે ઝઝૂમતા રહેવું પડશે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે એવી ચિંતાજનક આગાહી કરી છે કે, દેશમાં ખાદ્ય પદાર્થોના ભાવની સપાટી ચિંતા કરાવતી રહેશે અને વારંવાર ભાવ વધવાની સમસ્યા યથાવત રહેશે.
એમણે કહ્યું કે, ફૂગાવાને નિયંત્રિત કરવા માટેના અનેક પ્રયાસો છતાં ખાદ્ય પદાર્થોની ભાવ સપાટી હજુ પણ સંતોષજનક તબક્કામાં નથી. જાપાનમાં પોતાની સ્પિચમાં એમણે કહ્યું હતું કે, ખાદ્ય પદાર્થોના ભાવ વધારાની સમસ્યામાં ભારતને વધુ અસર થઈ રહી છે. એમણે કહ્યું કે, અમારા દેશના રિટેઈલ ફૂગાવામાં હળવાશ દેખાઈ છે અને સપ્ટેમ્બરમાં તે ત્રણ માસના નીચા લેવલ પર હતું પરંતુ રિઝર્વ બેન્કના ટાર્ગેટથી સુસંગત નથી અને હજુ ચિંતા બનેલી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની એમપીસી કમિટીએ પાછલી ચાર મોનિટરી પોલિસીમાં વ્યાજદરોમાં કોઈ વધારો-ઘટાડો કર્યો ન હતો અને ફૂગાવાને નિયંત્રિત કરવાના પ્રયાસમાં એમણે ચાવીરૂપ દરો યથાવત રાખ્યા હતા. ઓક્ટોબર માસનો રિટેઈલ ડેટા ૧૩મી નવેમ્બરે જાહેર થવાનો છે અને ત્યારે પણ રિટેઈલ ફૂગાવાની પરિસ્થિતિનો અંદાજો આવી જવાનો છે પરંતુ મહત્વની વાત એ પણ છે કે, પશ્ચિમ એશિયાની બગડેલી સ્થિતિને કારણે ફૂગાવાને નિયંત્રિત કરવામાં અવરોધ સર્જાઈ રહ્યો છે.