દાઉદ જીવિત છે તેવું કોણે કહ્યું ? શું કરી ચોખવટ ? વાંચો
- દાવો કરનાર કોણ છે ?
- કોની સાથે વાતચીત કરી ?
માફિયા ડોન અને ભારત માટે મોસ્ટ વોંટેડ દાઉદ ઈબ્રાહિમ વિશે અનેક વાતો સોશિયલ મીડિયા પર વહેતી થઈ હતી કે તેને ઝેર અપાયું છે અને તેની હાલત ગંભીર છે, તે હોસ્પિટલમાં દાખલ છે.પાકમાં તો મોતની અફવા પણ ફેલાઈ હતી. પરંતુ દાઉદના એક નીકટના સાથી છોટા શકીલે દાવો કર્યો છે કે દાઉદના મોતની ખબર એક અફવા છે, તેનો કોઈ આધાર નથી. સીએનએન-ન્યૂઝ ૧૮ સાથેની વાતચીતમાં શકીલે કહ્યું હતું કે દાઉદ જીવિત છે અને તંદુરસ્ત છે. પોતે સોમવારે તેને અનેકવાર મળ્યો હતો. શકીલે કહ્યું કે દાઉદ વિશેના સમાચાર વાંચી હું પણ ચમકી ગયો હતો.
ઉપરાંત દાઉદના એક સંબંધીએ રિપબ્લિક ટીવી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે દાઉદ જીવિત છે. તેને ઝેર અપાયાની વાત સાવ ખોટી છે. જો કે અત્યારે તે ક્યાં છે તે વિષે અમારી પાસે કોઈ માહિતી નથી તેવી ચોખવટ પણ કરી હતી.
ભારત જ નહીં પરંતુ પાકિસ્તાનના સોશિયલ મીડિયા પર એવા સમાચાર વહેતા થયા હતા કે દાઉદને કોઈએ ઝેર આપ્યું છે. અનેક પાકિસ્તાની પત્રકારોએ ટ્વીટ કરવાનું શરૂ કરી દીધુ હતું જેના કારણે આ અટકળોને બળ મળ્યું. હવે શકીલે મીડિયા સાથે વાતચીતમાં આ ખબરને અફવા ગણાવી હતી. ભાગેડુ અંડરવર્લ્ડ ડોન હાલ આઈએસઆઈનો એસેટ બની ચૂક્યો છે. આવામાં છોટા શકીલે કહ્યું કે મજાક કરવાના ઈરાદે સમયાંતરે આવી અફવાઓ ફેલાવવામાં આવતી હોય છે.
પાકિસ્તાનમાં રવિવારે રાતે ઈન્ટરનેટ બંધ થવા લાગ્યું તો લોકો અફવાઓને સાચી માનવા લાગ્યા. હાલ શકીલ જ ડી કંપનીનું ગ્લોબલ ઓપરેશન ધ્યાન રાખે છે. તેણે દાવો કર્યો કે જ્યારે પાકિસ્તાનમાં તે મળ્યો ત્યારે દાઉદ બિલકુલ ઠીક હતો.
ઈન્ટેલિજન્સના સૂત્રોએ પણ એવી સંભાવનાથી ઈન્કાર કર્યો છે કે દાઉદ ઈબ્રાહિમને કોઈએ ઝેર આપ્યું છે. તેનું મોટું કારણ એ છે કે દાઉદ લાંબા સમયથી પાકિસ્તાની એજન્સીઓના મહેમાનની જેમ કડક સુરક્ષા ઘેરામાં રહે છે. તેના પોતાના વફાદર માણસો તેને સિક્યુરિટી આપે છે. આઈએસઆઈ માટે તે એક એસેટ જેવો છે કારણ કે પાકિસ્તાની એજન્સી તેને ભારત વિરુદ્ધ જેહાદી આતંકના હથિયાર તરીકે જુએ છે. આઈએસઆઈ દાઉદની બરાબર દેખરેખ રાખે છે. કારણ કે હાલ તે અમેરિકાના પણ રડાર પર છે.
જો કે એ વાતથી ઈન્કાર કરી શકાય નહીં કે હાલમાં એક મિલેટ્રી બેસ પર તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હોય. હાલ પાકિસ્તાનમાં ભારતના અનેક દુશ્મનોનો કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા ખાતમો થઈ રહ્યો છે. સૂત્રોનું માનવું છે કે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી એ વાતને લઈને ચિંતિત છે કે 2024ની લોકસભા ચૂંટણી પહેલા તેની કોઈ એસેટને ‘હિટ’ કરવામાં આવી શકે છે.
દાઉદની હેલ્થની સાથે સાથે પાકિસ્તાનમાં એ પણ દાવો કરવામાં આવ્યો હતો કે પાકિસ્તાની ક્રિકેટ લેજન્ડ જાવેદ મિયાંદાદને હાઉસ અરેસ્ટ કરવામાં આવ્યો છે. તે પણ અંડરવર્લ્ડ ડોનનો નીકટનો છે. 1993ના મુંબઈ બોમ્બ બ્લાસ્ટના માસ્ટરમાઈન્ડ દાઉદને પાકિસ્તાને શરણ આપી રાખી છે પંરતુ તે પોતાની ધરતી પર છે તેનો તો નનૈયો જ ભણ્યા કરે છે. ભારતીય ઈન્ટેલિજન્સ એજન્સીનું માનવું છે કે શકીલ પણ કરાચીના ક્લિફ્ટન એરિયામાં છે પરંતુ પાકિસ્તાન ના પાડતું રહે છે.