કઈ પાર્ટીના સાંસદ ટીએમસીમાં જોડાઈ શકે છે ? વાંચો
બંગાળના ટીએમસીના નેતા કૃણાલ ઘોષે એકાએક રાજકીય હલચલ મચાવી દીધી હતી. શુક્રવારે એમણે એવો દાવો કર્યો હતો કે ભાજપના 2 સાંસદ 21 જુલાઇના રોજ એટલે કે આવતી કાલે ટીએમસીમાં શામેલ થઈ જશે અને આવકારવા માટેનો તખ્તો ગોઠવાઈ ગયો છે. આ નિવેદનને પગલે ભારે ચર્ચા જાગી હતી.
મીડિયા સાથેની વાતચીતમાં ઘોષે કહ્યું હતું કે 21 જુલાઇના રોજ શહીદ દિવસ સમારોહ યોજાનાર છે અને તેમાં ભાજપના બંને સાંસદો હાજર રહેવાના છે અને ત્યારબાદ ટીએમસીમા જોડાઈ જશે. સાંસદોએ જ ટીએમસી જોઇન કરવાની મરજી દર્શાવી હતી અને એમને આવકાર આપવામાં આવ્યો હતો.
જો કે એમણે એમ પણ કહ્યું હતું કે ટીએમસીના રાષ્ટ્રીય સચિવ અભિષેક બધા જ મુદાઓ પર વિચાર કરશે અને ત્યારબાદ અંતિમ નિર્ણય લેવામાં આવશે. લોકસભાની ચુંટણીમાં બંગાળમાં ભાજપના 12 સાંસદ વિજયી થયા હતા અને તે પૈકીનાં 2 ટીએમસીના સંપર્કમાં રહ્યા છે. ઘણા દિવસોથી આ મુદ્દે વાત થઈ રહી હતી.
ભાજપના સાંસદોએ એમ કહ્યું છે કે તેઓ મમતા બેનરજીના નેતૃત્વમાં કામ કરવા માંગે છે. જો કે હાલમાં બંને સાંસદોને થોડો સમય માટે રાહ જોવાની બંગાળ ટીએમસી દ્વારા સલાહ અપાઈ હતી.
