ગાઝાના આમ લોકોનો વલોપાત: અમે ક્યાં જઈએ, અમારા માટે બીજું કોઈ સ્થાન નથી
ઇઝરાયેલ ના વડાપ્રધાન નેતન્યાહુએ ગાઝાના લોકોને સલામત સ્થળે ખસી જવા કહ્યું પણ સવાલ એ છે કે એ નાગરિકો જાય ક્યાં?
ઉત્તર ગાઝાના બેઇટ હાનુઓન કેમ્પમાં રહેતા ચાર બાળકોના પિતા ઝાકીર અનવરના કહેવા મુજબ ઇઝરાયેલી બોમ્બ મારાથી બચવા માટે ઘર છોડીને દૂરના સલામત સ્થળે આશરો લેવા માટે ઇઝરાયેલના સૈનિકોએ અનુરોધ કર્યો હતો પણ અમારે જવું ક્યાં? અમારું ઘર તો આ જ છે. અમે ક્યાંય સલામત નથી.
તેમણે કહ્યું કે ઈઝરાયેલી સેના દયાળુ હોવાનો દેખાવ કરે છે પણ અમને સુચના આપી તેની થોડી મિનિટો પછી જ ઇઝરાયલના બોમ્બ મારામાં અમારી નજીકનું જ એક ઘર નાશ પામ્યું હતું. એ ઘટનામાં એક જ પરિવારના 18 લોકો માર્યા ગયા હતા.
શનિવારે રાત્રે ઇઝરાયલે વીજ અને ફ્યુઅલ નો પુરવઠો બંધ કરી દેતા ગાઝામાં અંધારપટ છવાઈ ગયો હતો. એ ઘોર અંધકાર વચ્ચે એર સ્ટ્રાઈક ચાલુ રહી હતી. લોકો અને ખાસ કરીને બાળકો અને મહિલાઓ આખી રાત ફફડતાં રહ્યા હતા. હોસ્પિટલોમાં પણ અંધકાર છવાતા દર્દીઓની હાલત કફોડી બની હતી. આખી રાત ગાઝા બોમ્બ ધડાકાઓથી ધણધણતું રહ્યું હતું.
અહેમદ ખલીલ નામના એક શિક્ષકે કહ્યું કે ઈઝરાયેલની મિસાઈલ ટેકનોલોજી ખૂબ ડરામણી છે. રાતભર લડાકુ વિમાનો ગાઝાના આકાશમાં ઘુમતા રહે છે. ક્યારે બોમ્બ પડશે, ક્યાં પડશે એ વિચારે અમે જાગતા રહીએ છીએ. અમારી નજર સામે અમે બહુમાળી ઇમારતોને ધરાશય થતા નિહાળીએ છીએ. અહીં વિનાશનું તાંડવ છે પણ અમારે જઇ જઇ ને જવું ક્યાં?