યુપીમાં ફરીવાર ક્યાં ટ્રેન સાથે થઈ છેડછાડ ? શું થયું ? જુઓ
ઉત્તર પ્રદેશમાં ટ્રેન દુર્ઘટના માટે સતત ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. પહેલા કાનપુરમાં અને હવે હરદોઈમાં પણ આવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એવી આશંકા છે કે દુર્ગિયાના એક્સપ્રેસ ટ્રેન જ્યાં અથડાઈ હતી તે ઈલેક્ટ્રિક પોલના કેબલમાં કોઈએ છેડછાડ કરી હતી. રેલવેએ આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. જો કે સદનસીબે કોઈ અકસ્માત સર્જાયો નથી.
દુર્ગિયાના એક્સપ્રેસ ટ્રેન કોલકાતાથી અમૃતસર જઈ રહી હતી. કેબલ સાથે કોઈએ જાણી જોઈને છેડછાડ કરી હોવાની આશંકા છે. ટ્રેન કેબલ સાથે અથડાઈ કે તરત જ તેમાં વિસ્ફોટ થયો હતો મપણ કોઈ નુકસાની થઈ નથી.
લખનઉથી દિલ્હી રેલવે ટ્રેક પર રાત્રે દુર્ગિયાના એક્સપ્રેસ ટ્રેનના ડ્રાઈવરે ઇલેક્ટ્રિક લાઈનમાં કંઈક લટકતું જોયું. જ્યારે ડ્રાઇવરે વાહન રોકવાનો પ્રયાસ કર્યો, ત્યારે ઓએચઈ લાઇનમાં વિસ્ફોટ થયો અને પાવર સપ્લાય આપોઆપ બંધ થઈ ગયો. આ દરમિયાન મોટી દુર્ઘટના ટળી હતી. રેલવે વિભાગે સમગ્ર મામલાની જાણ ઉચ્ચ અધિકારીઓને કરી હતી.
આ ઘટના લખનૌથી દિલ્હી રેલવે ટ્રેક પર રાત્રે 3:00 વાગ્યે દેલનગર અને ઉમરતલી વચ્ચે બની હતી. ઈલેક્ટ્રીક પાવર લાઈન સંપૂર્ણપણે બંધ થઈ ગઈ હતી. ટ્રેન વ્યવહાર પણ થંભી ગયો હતો. ઘણી મહેનત બાદ સવારે 7 વાગ્યે ડીઝલ એન્જિન સાથે દુર્ગિયાના એક્સપ્રેસ શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન તમામ મુસાફરો ત્રસ્ત બની ગયા હતા.