ભારતીય સ્ટુડન્ટની ક્યાં થઈ હત્યા ? જુઓ
વિદેશમાં ભારતીય સ્ટુડન્ટના મોતનો સિલસિલો ચાલુ જ રહ્યો છે. મેલબર્નના ઓરમન્ડમાં ભારતીય વિદ્યાર્થી નવજીત તેના મિત્રના ઘરે એક વિવાદમાં દરમ્યાનગીરી કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે તેના પર કથિત હુમલાખોર દ્વારા ચાકુથી છાતી પર હુમલો કરવામાં આવ્યો હતો અને તેનું મોત થઈ ગયું હતું.
વિદ્યાર્થીઓ વચ્ચે ભાડા બાબતે વિવાદ થયો હોવાનું માનવામાં આવે છે.
નવજીત તેમને ઝઘડો નહિ કરવાનું સમજાવી રહ્યો હતો ત્યારે તેના પર હુમલો કરાયો હતો. ઘટના બની ત્યારે મેલબર્નની ઈમરજન્સી સર્વિસ તુરંત ઘટના સ્થળે પહોંચી હતી. આ ઝઘડામાં બે જણને ઈજા થઈ હતી. જો કે, પોલીસે ઈજાગ્રસ્ત લોકોની ઓળખ આપી નહોતી.
વિદ્યાર્થીઓ વચ્ચે થયેલા વિવાદનું ચોક્કસ કારણ જાણવા નથી મળ્યું પણ બનાવમાં સામેલ વિદ્યાર્થીઓ એકબીજાને ઓળખતા હોવાનું માનવામાં આવે છે. વિક્ટોરિયા પોલીસે જણાવ્યું કે તેમના ડિટેક્ટિવો બે હુમલાખોરોને શોધી રહ્યા છે. બંને ભાઈઓને અભિજીત અને રોબિન ગર્ટન એક ચોરાયેલી સફેદ ટોયોટામાં પ્રવાસ કરી રહ્યા હોવાનું માનવામાં આવે છે.
મૃતક નવજીત અને હુમલાખોર બંને કરનાલના રહેવાસી હોવાની માહિતી નવજીતના કાકા યશવીરે આપી હતી. નવજીતના પરિવારને આ ઘટનાની માહિતી રવિવારે વહેલી સવારે મળી હતી.૨૨ વર્ષીય નવજીત દોઢ વર્ષ પહેલા સ્ટુડન્ટ વિઝા પર ઓસ્ટ્રેલિયા ગયો હતો. તેના પિતાએ નવજીતના અભ્યાસ માટે દોઢ એકર જમીન વેચી નાખી હતી. પરિવારે ભારતીય સરકારને નવજીતનો મૃતદેહ વહેલી તકે ભારત લાવવા વિનંતી કરી હતી.