ટમેટાં સહિતના ભાવ ક્યાં પહોંચ્યા ? જુઓ
દેશમાં મોંઘવારી લોકોને રડાવી રહી છે અને ખાસ કરીને હવે ટમેટાંના ભાવ અનેક રાજ્યોમાં રૂપિયા 100 કિલો સુધી પહોંચી ગયા છે. . ડુંગળી અને બટાકા બાદ હવે ટામેટા, લીંબુ, સહિત મોટાભાગની શાકભાજીઓના ભાવ આસમાને પહોંચ્યા છે. મે મહિનાના અંતથી અત્યારસુધીમાં શાકભાજીઓના ભાવ સતત વધી લગભગ બમણા થયા છે. રસોડાની કોઈ પણ ચીજ સસ્તી રહી નથી. લોકોની કસોટી થઈ રહી છે.
ગ્રાહક બાબતોના મંત્રાલય અનુસાર, ડુંગળી, બટાકા, ટમેટાના ભાવ સૌથી વધુ વધ્યા છે. તેમજ ચોખા, કઠોળ અને અન્ય ખાણી-પીણીની ચીજવસ્તુઓ પણ મોંઘી થઈ છે. છેલ્લા એક વર્ષમાં જરૂરી ચીજવસ્તુઓના ભાવ 65 ટકા વધ્યા છે.
ગતવર્ષે 21 જૂને ચોખાની કિંમત રૂ. 40 પ્રતિ કિગ્રા હતી, જે વધી રૂ. 45 પ્રતિ કિગ્રા થઈ છે. મગ દાળનો ભાવ કિલોદીઠ 10 ટકા વધી રૂ. 119 થયો છે. ખાંડ પણ રૂ. 45 પ્રતિ કિગ્રા થઈ છે. થોડા દિવસો પહેલા જ સરકારે એવી ખાતરી આપી હતી કે દાળના ભાવ નીચે આવી જશે પણ એવું કશું દેખાતું નથી.
આ વર્ષે ભારતમાં રેકોર્ડ બ્રેક ગરમી નોંધાઈ છે. કાળઝાળ ગરમી તેમજ આબોહવા પરિવર્તનના કારણે માવઠાની અસરોના કારણે પાકને નુકસાન થયું છે. જેના લીધે ખાદ્ય ચીજોના ભાવ વધ્યા છે. વરસાદ સારો રહેવાની અપેક્ષા સાથે ઓગસ્ટમાં શાકભાજી સસ્તા થઈ શકે છે. જો કે, દૂધ, અનાજ અને કઠોળના ઉંચા ભાવ સ્થિર રહેવાની શક્યતા છે.
મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, તામિલ નાડુ જેવા રાજ્યોમાં ટમેટાના ભાવ કિલોના રૂપિયા 100 સુધી ઉપર ગયા છે અને લોકોની રાડ ફાટી ગઈ છે. જો કે આ ભયાનક ગરમીમાં મોંઘવારી લોકોને વધુ સતાવી રહી છે છતાં તેનો કોઈ હલ મળતો નથી.