વડાપ્રધાન મોદીનું વિમાન 46 મિનિટક્યાં રહ્યું હતું ? ક્યાં ચર્ચા થઈ ?
પોલેન્ડથી પરત ફરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનની એરસ્પેસનો ઉપયોગ કર્યો હતો. પાકિસ્તાની મીડિયા હાઉસ ડોને ત્યાંની સિવિલ એવિએશન ઓથોરિટીના અધિકારીને ટાંકીને આ જાણકારી આપી હતી. રિપોર્ટ અનુસાર, વડાપ્રધાન મોદી 46 મિનિટ સુધી પાકિસ્તાનના એરસ્પેસમાં હતા. પાક મીડિયાએ આ પ્રકારની નકારાત્મક ચર્ચા શરૂ કરી છે.
તેમનું વિમાન લાહોર અને ઈસ્લામાબાદ થઈને અમૃતસર પહોંચ્યું હતું. જિયો ન્યૂઝ અનુસાર, તેમનું વિમાન સવારે 10.15 વાગ્યે પાકિસ્તાનની એરસ્પેસમાં પ્રવેશ્યું અને સવારે 11.01 વાગ્યા સુધી ત્યાં જ રહ્યું હતું એટલે કે ત્યાંથી પસાર થયું હતું. જો કે ભારતે હાલમાં આ મામલે કંઈ કહ્યું નથી.
ભારત માટે એરસ્પેસ બંધ કરી હતી
ભારતે 26 ફેબ્રુઆરી 2019 ના રોજ પાકિસ્તાનના બાલાકોટમાં હવાઈ હુમલો કર્યો. આ પછી પાકિસ્તાને ભારતીય વિમાનો માટે પોતાનું એરસ્પેસ સંપૂર્ણપણે બંધ કરી દીધું હતું.
પાકિસ્તાને માર્ચમાં આંશિક રીતે એરસ્પેસ ખોલી હતી પરંતુ તેને ભારતીય ફ્લાઈટ્સ માટે પ્રતિબંધિત કરી હતી. ડોને એવો પણ દાવો કર્યો છે કે 2019માં ભારતે વડાપ્રધાન મોદીના એરક્રાફ્ટ માટે પાકિસ્તાનની એરસ્પેસનો ઉપયોગ કરવાની પરવાનગી માંગી હતી.
જો કે કાશ્મીર વિવાદને કારણે પાકિસ્તાને પરવાનગી ફગાવી દીધી હતી. વડાપ્રધાન મોદીના વિમાનને જર્મની જવા માટે પાકિસ્તાનની એરસ્પેસની જરૂર હતી.
બે વર્ષ બાદ પાકિસ્તાને ભારતીય વડાપ્રધાનની અમેરિકાની નોન-સ્ટોપ ફ્લાઈટને તેની એરસ્પેસમાંથી પસાર થવા દીધી હતી.