ગૌતમ અદાણી બ્લૂમબર્ગ ઇન્ડેક્સમાં ક્યાં પહોંચી ગયા ? જુઓ
વિશ્વના ટોચના અબજોપતિઓની બ્લૂમબર્ગ ની યાદીમાં મોટો ફેરફાર થયો છે. તેમાં સામેલ ભારતીય અબજોપતિઓની રેન્કિંગમાં આ ફેરફાર જોવા મળ્યો છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ નેટવર્થના મામલે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને પાછળ છોડી દીધા છે. છેલ્લા કેટલાક દિવસોમાં શેરબજારમાં લિસ્ટેડ અદાણીની કંપનીઓના શેરમાં થયેલા ભારે ઉછાળાને કારણે તેમની સંપત્તિમાં ભારે વધારો થયો છે અને તેઓ એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે.
અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી તેમની સંપત્તિમાં તાજેતરના ઉછાળાને કારણે હવે વિશ્વના 11મા સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. તેમની નેટવર્થ 111 બિલિયન ડોલર સુધી પહોંચી ગઈ છે અને આટલી સંપત્તિ સાથે તેમણે મુકેશ અંબાણીને પાછળ છોડી દીધા છે. બ્લૂમબર્ગ અનુસાર, મુકેશ અંબાણીની કુલ સંપત્તિ 109 બિલિયન ડોલર છે અને આ આંકડા સાથે તેઓ વિશ્વના સૌથી ધનિકોની યાદીમાં 11 મા સ્થાને આવી ગયા છે.
અદાણીની નેટવર્થમાં 5.45 બિલિયન ડોલર અથવા લગભગ 45,000 કરોડ રૂપિયાથી વધુનો વધારો થયો છે. સંપત્તિમાં આ અચાનક થયેલા વધારાને કારણે અદાણી ગ્રુપના ચેરમેને 12માં સ્થાનથી એક ડગલું આગળ વધીને 11માં સ્થાન પર કબજો જમાવી લીધો છે. ગૌતમ અદાણી વર્ષ 2024માં સૌથી વધુ કમાણી કરનારા અબજોપતિઓમાં સામેલ છે. તેમણે 1 જાન્યુઆરી, 2024 થી અત્યાર સુધીમાં 26.8 બિલિયન ડોલરની કમાણી કરી છે. મુકેશ અંબાણીની સંપત્તિમાં આ વર્ષે 12.7 અબજ ડોલરનો વધારો થયો છે.