દિલ્હી બાદ આપને ક્યાં લાગી શકે છે ઝટકો ? શું થઈ રહી છે ચર્ચા ? જુઓ
દિલ્હીમાં સત્તા ગુમાવ્યા બાદ આમ આદમી પાર્ટી પર સંકટના વાદળો વધી રહ્યા છે. પંજાબમાં તેના 32 ધારાસભ્યો પક્ષ છોડવાની ફિરાકમાં હોવાના અહેવાલો બહાર આવ્યા છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને પણ પદ પરથી દૂર કરવાની કવાયત હાથ ધરાય તેવી શક્યતાઓ દર્શાવાઈ છે. જેના લીધે આમ આદમી પાર્ટી પર પંજાબમાંથી પણ સત્તાની કમાન છૂટવાનો ડર વધ્યો છે. કેજરીવાલ સામે બીજી ઉપાધિ સર્જાવાની છે તેમ મનાય છે.
પંજાબ કોંગ્રેસ નેતા પ્રતાપ સિંહ બાજવાએ દાવો કર્યો છે કે, આમ આદમી પાર્ટીના 32 ધારાસભ્યો તેમના સંપર્કમાં છે. તેઓ કોંગેસમાં આવવા માગે છે. કોંગ્રેસ નેતાના આ દાવાથી પંજાબના રાજકારણમાં ખળભળાટ મચ્યો છે. વિધાનસભા સત્ર શરૂ થવાના થોડા દિવસ પહેલાં જ બાજવા દ્વારા આ જાહેરાતથી આમ આદમી પાર્ટીની મુશ્કેલીઓ વધી છે.
આમ આદમી પાર્ટીના ધારાસભ્યો પંજાબ સરકારથી જ નારાજ હોવાનું જણાવતાં પ્રતાપ સિંહ બાજવાએ કહ્યું કે, આ સરકારથી કોઈ કામ થઈ રહ્યા નથી. જેથી તેના જ ધારાસભ્યો તેમનાથી નારાજ છે. તેઓ હવે પક્ષ બદલવા માગે છે. આ સરકારે મહિલાઓને દરમહિને રૂ. 1000 આપવાનું વચન આપ્યું હતું. પરંતુ હજુ સુધી અમલ કર્યો નથી.
બાજવાએ જણાવ્યું કે, ‘ભગવંત માન સરકારનું સેશન હવે વધુ લાંબુ નહીં ચાલે. આટલી મોટી સંખ્યામાં ધારાસભ્યોના પક્ષ પલટો અટકાવવા માટે આમ આદમી પાર્ટી મુખ્યમંત્રીનો ચહેરો બદલી શકે છે. તેઓ ભગવંત માનના સ્થાને અન્યને સીએમની ખુરશી સોંપી શકે છે. દિલ્હીમાં હાર બાદ આપ અધ્યક્ષ અરવિંદ કેજરીવાલે એક બેઠક બોલાવી હતી. જેમાં પંજાબના તમામ ધારાસભ્યોને બોલાવીને વાતચીત કરી હતી. જો કે આપના નેતાઓએ આ દાવાઓને ફગાવી દીધા હતા.