રાજકોટના સિટી બસ-ડ્રાઇવરોને ‘કાબૂ’માં ક્યારે કરશો ? મનપા કચેરી ગજવતી કોંગ્રેસ
NSUIનું કોટેચા ચોકમાં વિરોધ પ્રદર્શન
ઈન્દીરા સર્કલ પાસે સિટી બસ દ્વારા અકસ્માતની ગોઝારી દૂર્ઘટના બાદ શાસકો અને મહાપાલિકાના અધિકારીઓ ઉપર તડાપીટ બોલાવવામાં આવી રહી છે ત્યારે કોંગ્રેસ પણ મહાપાલિકા કચેરી ગજવી મ્યુ.કમિશનરને સિટી બસ અને તેને ચલાવતાં ડ્રાયવરોને કાબૂમાં કરવા માટે આવેદન આપ્યું હતું. આ જ રીતે NSUI દ્વારા કોટેચા ચોકમાં સિટી બસને અટકાવીને વિરોધ પ્રદર્શન કરવામાં આવતાં અનેકની અટકાયત કરવામાં આવી હતી.
શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીની આગેવાનીમાં મ્યુ.કમિશનર તુષાર સુમેરાને પાઠવવામાં આવેલા આવેદનપત્રમાં જણાવાયું હતું કે શહેરમાં ટ્રાફિક સમસ્યા વિકરાળ રૂપ ધારણ કરી રહી છે ત્યારે સિટી બસ માતેલા સાંઢની જેમ દોડી રહી છે. આ બસની હડફેટે અનેક લોકોના હાથ-પગ ભાંગી ગયા છે તો અનેકના મોત પણ નિપજ્યા છે. સિટી બસમાં સ્પીડ લિમિટ નક્કી કરવા માટે અગાઉ પણ કોંગે્રસ દ્વારા તંત્રનો કાન આમળવામાં આવ્યો હતો પરંતુ કશી કાર્યવાહી કરવામાં આવી ન્હોતી.
બીજી બાજુ મૃતકોને 15 લાખ નહીં બલ્કે 50 લાખ અને ઘાયલોને બે લાખની જગ્યાએ 25 લાખની સહાય ચૂકવવાની માંગણી પણ કરવામાં આવી હતી.