ઝારખંડમાં હેમંત સોરેન ક્યારે શપથ લેશે ? કઈ તારીખ નક્કી થઈ ? જુઓ
ઝારખંડ વિધાનસભાની ચુંટણીમાં વિજય મેળવ્યા બાદ જેએમએમના કાર્યકારી પ્રમુખ હેમંત સોરેન ફરી સત્તાના સૂત્રો સંભાળવા જઈ રહ્યા છે. રવિવારે એમણે રાજ્યપાલને મળીને સરકાર રચવાનો દાવો કર્યો હતો. રાજ્યપાલે સરકાર રચવા એમને આમંત્રણ આપ્યું હતું એમણે મીડિયાને એવી માહિતી આપી હતી કે પોતે 28 મીએ શપથ લેશે. કોંગ્રેસે મંત્રીમંડળમાં 4 પ્રધાનો સમાવવાની માંગણી પણ કરી છે.
રવિવારે સાંજે હેમંત સોરેન પોતાના વિજેતા ધારાસભ્યોના સમર્થન પત્ર સાથે રાજ્યપાલને મળવા ગયા હતા અને સરકાર રચવા દાવો કર્યો હતો. પ્રથમ એમણે મુખ્યમંત્રી પદેથી રાજીનામું સુપરત કર્યું હતું. એમણે કહ્યું કે અમે ઈન્ડિયા ગઠબંધનની સરકાર રચવાની પ્રક્રિયા શરૂ કરી છે.
રાજ્યપાલ સાથે મુલાકાત વખતે હેમંત સોરેન સાથે કોંગ્રેસ અને રાજદના પ્રભારી નેતાઓ પણ રહ્યા હતા. હવે 28 તારીખે એટલે કે ગુરુવારે શપથ ગ્રહણ સમારોહ યોજાશે.
જેએમએમને 81 બેઠકોવાળી વિધાનસભામાં 56 બેઠકો મળી હતી. એમણે આ જીત ઈન્ડિયા ગઠબંધનની હોવાની વાત કરી હતી. ભાજપ સામે બાથ ભીડીને હેમંત સોરેન છવાઈ ગયા હતા.