નીટ યુજી અંગે સુપ્રીમ કોર્ટે શું આપ્યો ચુકાદો ? જુઓ
નીટ યુજી પેપર લીક કેસમાં મંગળવારે સુપ્રીમ કોર્ટમાં બપોર બાદ સુનાવણી પૂરી થઈ ગઈ હતી અને અદાલતે મહત્વનો ફેસલો આપીને ફરીથી પરીક્ષા કરાવવાનો ઇનકાર કર્યો હતો. આમ ઘણા દિવસોથી ચાલી રહેલ કાનૂની લડાઈનો અને ઇન્તજારીનો અંત આવી ગયો હતો. અદાલતનો ફેસલો એનટીએ અને સરકારની તરફેણમાં રહ્યો છે. નીટની પરીક્ષા રદ કરવા સહિતની માંગણીઓ સાથે 40 જેટલી અરજીઓ થઈ હતી અને મંગળવારે તેનો આ રીતે નિવેડો આવ્યો હતો.
સીજેઆઈ ચંદ્રચૂડ, ન્યાયમૂર્તિ પારડીવાલા અને ન્યાયમૂર્તિ મિશ્રાની બનેલી બેન્ચે મંગળવારે સુનાવણી પૂરી કરી હતી અને ચુકાદો આપ્યો હતો. અદાલતે એમ ઠરાવ્યું હતું કે પરીક્ષામાં વ્યાપક ગરબડ થયાના કોઈ પૂરતા પુરાવા મળ્યા નથી. પરીક્ષા બીજીવાર થઈ શકે જ નહીં. આ માંગણી વ્યાજબી નથી.
કોર્ટે એમ પણ કહ્યું હતું કે જે લોકોએ ગરબડનો ફાયદો ઉઠાવ્યો છે એમની નિષ્કલંક ઉમેદવારોથી અલગ ઓળખ કરવી સંભવ નથી. જો આગળ જતાં ગરબડ પુરવાર થાય તો પણ એમનું એડમિશન રદ કરી શકાય છે. સીજેઆઈએ કહ્યું કે ચાલુ વર્ષ માટે નવેસરથી પરીક્ષા યોજવાનો નિર્દેશ આપવો જોખમરૂપ છે. કારણ કે 24 લાખ સ્ટુડન્ટ સાથે અન્યાય થઈ શકે છે. એ જ રીતે પ્રવેશ કાર્યક્રમમાં પણ અવરોધ આવશે. આરોગ્ય શિક્ષાના પાઠયક્રમ પર વ્યાપક અસર પડી શકે છે.
અદાલતે કહ્યું કે સીબીઆઇની તપાસ અધૂરી જ છે માટે અમે એનટીએને એ સ્પષ્ટ કરવા કહ્યું હતું કે ગરબડ વ્યાપક પ્રમાણમાં થઈ છે કે નહીં. કેન્દ્ર અને એનટીએએ પોતાના જવાબમાં આઈઆઈટી મદ્રાસના અહેવાલનો હવાલો આપ્યો હતો. જ્યારે ડેટા પરથી એવું લાગતું નથી કે પરીક્ષામાં સિસ્ટમેટિક ગોટાળા થયા છે. આમ પરીક્ષા ફરીવાર થઈ શકે જ નહીં.